Gandhinagar news : ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી રાંધેજાનાં પ્રેમીએ ઘરે લઈ જઈ શારીરિક સંબંધો બાંધી અશ્લીલ વીડિયો – ફોટા વાઈરલ કરવાની ધમકીઓ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે ગુનામાં ગાંધીનગરની પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ 20 હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત જિલ્લા કાનૂની સત્તા મંડળ મારફતે પીડિતાને રૂ. 4 લાખ વળતર આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.
ગાંધીનગરના રાંધેજા ગામ ભીમનાથ મહાદેવ મંદિર આગળ રહેતા સુનીલ ઉર્ફે સંજય રજુજી ગાભાજી ઠાકોરે પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને પ્રેમના પાઠ ભણાવ્યા હતા. બાદમાં વર્ષ 2019થી જુલાઈ 2022 દરમિયાન સગીરાને છાસવારે પોતાના ઘરે લઈ જઈ એકલતાનો લાભ ઉઠાવી સુનીલ ઠાકોર દેહ ચૂંથતો રહ્યો હતો.
ઉપરાંત સગીરા સાથેના અંગત પળોનાં વીડિયો અને તસવીરો ઉતારી લઈ વાઈરલ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો. આટલું ઓછું હોય એમ સુનીલનાં મિત્રો સાહિલ જયંતીજી ઠાકોર અને પંકજ ભીખાજી ઠાકોરે (બન્ને રહે. રાંધેજા) સગીરાના પિતાને માર મારી અશ્લીલ ફોટા વીડિયોનાં જોરે હેરાન પરેશાન કરવાની પણ કોઈ કસર છોડી ન હતી.
આખરે પીડિતાએ પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી જરૂરી પુરાવા એકત્ર કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને ઓગસ્ટ 2022માં પોક્સો કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. જે કેસ ગાંધીનગરની સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ એસ. ડી. મેહતાની સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ સુનીલ એસ પંડ્યાએ ધારદાર દલીલ કરી હતી કે, આરોપીઓએ ગંભીર પ્રકાર ગુનો કરેલો છે. સમાજમાં આવા ગુનાઓ રોજ-બરોજ બને છે અને જેથી આવા ગુનાના આરોપીઓને ગુનાઓમાં વધુમાં વધુ સજા અને દંડ કરવામાં આવે તો નવા ગુના કરતાં લોકો અટકે અને સમાજમાં દાખલો બેસે.
આ પણ વાંચો:આયુષ્માન યોજના જીવન સાથે રમત ન બને, ખ્યાતી હોસ્પિટલની ઘટના ડરાવે છે
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે
આ પણ વાંચો:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને પુરાવા રજૂ કરવા કરાયો આદેશ, મેડિકલ એસોસિએશને લખ્યો પત્ર
