પંજાબ બાદ સૌથી વધુ યુવા નશાના રવાડે ગુજરાતમાં ચડે છે, ત્યારે સેશન્સ કોર્ટે નશાનો વેપાર કરતા આરોપીને દાખલો બેસાડતા 15 વર્ષની સખ્ત કેદ સહિત 1 લાખ રૂપિયાનો દંડ ફટકારતી સજા આપી હોવાની વિગતો સામે આવી છે.
એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ (ATS)એ વર્ષ 2015માં બાતમીને આધારે નેહરુબ્રિજ પાસેથી આરોપી સોનુ ઉર્ફ વિકકીની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. શુક્રવારે તેને સેશન્સ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો જ્યાં તેને 15 વર્ષની સખ્ત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપી સોનુ પાસેથી મેથાફેટાઇન નામનો ડ્રગ્સ પકડાયો હતો. આ ડ્રગ્સ પહેલીવાર ભારતમાં પકડાઈ હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે.

ATSએ જ્યારે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી 91.230 ગ્રામ ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું હતું. રાજ્યના યુવાધનને રવાડે ચડાવવા અને પોતાનું કાળું સામ્રાજ્ય ઉભું કરવા આરોપી સોનુ ઉર્ફ વિકકી કોલેજમાં ભણતા યુવનનોને ઈમ્પોર્ટેડ ડ્રગ્સ વેચતો હતો. શહેરની વિવિધ કોલેજોમાંથી આશરે 1000થી વધુ વિધાર્થીઓ તેની સંપર્કમાં હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
