રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શનિવારે રાજ્યના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રમણસિંઘનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ BJP તરફથી ઉમેદવારની પ્રથમ યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં બીજેપીએ વર્તમાન મંત્રી સહિત 14 ધારાસભ્યને ટિકિટ નથી આપી. બીજેપી દ્વારા વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રથમ યાદીમાં 77 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પચં દ્વારા છત્તીસગઢમાં નવેમ્બરમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.
શનિવારે બીજેપીની મધ્યસ્થ ચૂંટણી સમિતિની બેઠક બાદ તેલંગાણા અને મિઝોરમના ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંઘ, પાર્ટી પ્રમુખ અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે ઉમેદવારોના નામની યાદી હવે પછી જાહેર કરવામાં આવશે.
બીજેપી તરફથી છત્તીસગઢ વિધાસભાની કુલ 90 બેઠકમાંથી 77 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાંથી 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે 14 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે.
આ અંગે કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, વર્તમાન સાંસદ વિક્રમ ઉસેન્ડી છત્તીસગઢના બસ્તર વિસ્તારની અંતગઢ બેઠક પરથી ચૂંટણી લડશે, તેમજ તાજેતરમાં બીજેપીમાં જોડાયેલા પૂર્વ રાયપુર કલેક્ટર એસ.પી. ચૌધરી ખરસૈયા બેઠક પરથી ચૂંટણી લડશે.
બીજેપી દ્વારા છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે જે ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે, તેમાં રામશીલા સાહુ (મંત્રી), યુધવીરસિંઘ જુદેવ, સુનિતા રાઠિયા, વિદ્યારતન ભાસિન, રાજુ કઠરિયા, ભોજરામ નાગ અને નવીન મુર્કેન્ડેનો સમાવેશ થાય છે.
છત્તીસગઢમાં 12મી નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં નક્સલ પ્રભાવિત 18 બેઠક માટે ચૂંટણી યોજવામાં આવશે. જ્યારે બાકીની 72 બેઠક માટે 20મી નવેમ્બરના રોજ બીજા તબક્કાની ચૂંટણી યોજાશે. તા. 11મી ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. 2013ના વર્ષમાં છત્તીસગઢમાં બીજેપીને 49 બેઠક, કોંગ્રેસને 39 બેઠક તેમજ બીએસપી અને અપક્ષને એક-એક બેઠક મળી હતી.
