અમદાવાદ: CBDT ના ચેરમેન સુશીલચંદ્રા તા.27ને મંગળવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જેમાં અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ સહીત વિવિધ રિજિયનના આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સીબીડીટી (CBDT)ના ચેરમેન આગામી વ્યૂરચના માટે અગત્યની મિટિંગ યોજશે. સીબીડીટીના ચેરમેનની મુલાકાતને લઇ અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સહિતની તમામ રિજિયન ઓફિસમાં તૈયારીઓ ચાલી રહી છે.
અમદાવાદ ખાતે ઈન્કમટેકસના નવા ભવનનું તા. 27મીને મંગળવારના રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ નવાં ભવનનું ઉદઘાટન સીબીડીટીના ચેરમેન સુશિલચંદ્રાના હસ્તે કરવામાં આવશે. આ પછી રાજ્યભરના ઇન્કમટેકસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે ગુજરાતની ટેકસ વસૂલાતની કામગીરી, સ્ક્રૂટીની તેમજ એસેસમેન્ટને લગતી કામગીરી પર તેઓ ચર્ચા કરશે. ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવાને હવે ચાર મહિના બાકી છે તેને અનુલક્ષીને જે તે શહેરના બજેટ ટાર્ગેટ અંગેની માહિતી મેળવીને તેને પૂર્ણ કરવા માટે ચર્ચા વિચારણા કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટની સાત ઓફિસ કાર્યરત હતી. હવે તેનું નવું બિલ્ડિંગ બની ગયું છે. જેથી હવે અમદાવાદમાં માટે ત્રણ ઓફિસ કાર્યરત રહેશે. આ નવું બિલ્ડિંગ વેજલપુર ખાતે આવેલું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીના હસ્તે આ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવનાર હતું. પરંતુ, હવે તેમના બદલે સીબીડીટીના ચેરમેન સુશીલચંદ્રાના હસ્તે આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.
મંગળવારે યોજાનાર આ કાર્યક્રમ અને મિટિંગ સંદર્ભે અમદાવાદ, રાજકોટ, વડોદરા સુરત ઇન્કમટેકસના રેન્જ સીઆઇટી, વિંગ કમિશનર તેમજ સૌરાષ્ટ્ર સહિતના વિવિધ રિજિયનના અધિકારીઓ સોમવારે સાંજ સુધીમાં અમદાવાદ પહોંચી જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
