લખનઉ,
ગુજરાતના કેવડિયા ખાતે બનાવામાં આવેલી સરદાર પટેલની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા બાદ જાણે દેશભરમાં મૂર્તિઓ બનાવવાનો નવો દોર જામ્યો હોય તે જોવા મળી રહ્યું છે.
આ જ પ્રકારે હવે દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશના અયોધ્યામાં દેશની સૌથી મોટી ભગવાન રામની મૂર્તિ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રાજ્યની યીગી આદિત્યનાથ સરકાર દ્વારા ભગવાન રામની મૂર્તિની એક તસ્વીર જાહેર કરી છે.

અયોધ્યામાં નિર્માણ થનારી આ પ્રતિમાને લઇ CM યોગીએ એક બેઠક યોજી હતી અને જેમાં દેશની સૌથી મોટી મૂર્તિ બનાવવાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

ભગવાન રામની મૂર્તિની ઉંચાઈ ૧૫૧ મીટર છે. પરંતુ આ મૂર્તિ ઉપર ૨૦ મીટર ઉંચો છત્ર અને ૫૦ મીટરનો આધાર બેસ બનાવવામાં આવશે. આ સાથે જ મૂર્તિની કુલ ઉંચાઈ ૨૨૧ મીટર થઇ જશે.
આ પ્રતિમાના બેસની અંદર જ ભવ્ય મ્યુઝિયમ પણ હશે, જેમાં અયોધ્યાનો ઈતિહાસ, રામજન્મભૂમિનો ઈતિહાસ, ભગવાન વિષ્ણુના તમામ અવતારોની જાણકારી આપવામાં આવશે.
