સુરત,
સુરતના સરથાણાથી પાટીદારોની સંકલ્પ યાત્રા નીકળી હતી. જે આવતીકાલે સુરતથી ખોડલધામ પહોંચશે. હાર્દિક-અલ્પેશ સહીતના આગેવાનો આ યાત્રામાં હાજર છે ત્યારે આ યાત્રા પૂર્વે સોશ્યલ મીડીયા પર પાટીદાર એકતાના મેસેજ ફરતા થયા હતા.
હાર્દિક હવે રાષ્ટ્રીય નેતા બનશે.
જેમાં હાર્દિકને રાષ્ટ્રપતિ તો અલ્પેશને વડાપ્રધાન લખાવી બંનેને એકબીજાના પુરક લખાવવામાં આવ્યા હતા. તો અમુક મેસેજમાં લખવામાં આવ્યું હતું કે કેપ્ટનપદ અલ્પેશને ખુદ હાર્દિકે આપ્યું છે અને અઝહર બાદ ગાંગુલી, ગાંગુલી બાદ ધોની, ધોની બાદ કોહલી બહેતર જ કરી રહ્યા છે, અલ્પેશ પણ કરશે બેહતર.. હાર્દિક હવે રાષ્ટ્રીય નેતા બનશે. સમાજમાં ભાગલા પડાવવાની મનસા રાખનારાઓ પર ફિટકાર વરસાવાયો હતો.
હું કાયદાકીય રીતે જ બહાર આવ્યો છુ:કથીરિયા
ઉલ્લેખનીય છે કે, પાસ કાર્યકર અલ્પેશ કથીરિયા 3 મહિના અને 20 દિવસનાં જેલવાસ બાદ જામીન પર મુક્ત થયા છે. જેલ મુક્તિ સમયે જેલની બહાર અલ્પેશનો પરિવાર, ધાર્મિક માલવિયા, હાર્દિક પટેલ અને પાસ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.
2015માં પાટીદાર અનામત આંદોલનમાં અલ્પેશ મહત્વનો ચહેરો રહ્યો હતો. અલ્પેશ પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. અલ્પેશની જેલમુક્તિ બાદ તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અલ્પેશ કથીરિયાએ જણાવ્યુ કે હું કાયદાકીય રીતે જ બહાર આવ્યો છુ. અનામતની લડાઈ એ પાટીદાર સમાજની લડાઈ છે. આવનારા દિવસોમાં આંદોલન ચાલુ રહેશે.
હવે અલ્પેશ કથીરિયા આંદોલનની દોર સંભાળશે:હાર્દિક
તો બીજી તરફ એકસમયના પાટીદારનો કદાવર ચહેરો ગણાતો હાર્દિક પટેલનું કદ ઘટતું નજર આવ્યું હતું. હાર્દિક પટેલે જાહેરાત પણ કરી હતી કે હવે અલ્પેશ કથીરિયા આંદોલનની દોર સંભાળશે.
રેલી બાદ અલ્પેશ કથીરિયા પોતાના ઘરે પરત ફર્યો હતો. આજે સોમવારે સંકલ્પયાત્રાનો બીજો દિવસ છે. સરથાણા જકાતનાકાથી સંકલ્પયાત્રાનો પ્રારંભ થઇને સાળંગપુર હનુમાનજી જશે. જ્યાં અલ્પેશ કથીરિયા હનુમાનજીના દર્શન કરશે.
ત્યાંથી દર્શન કર્યાબાદ કાગવડ ખોડલ ધામ જશે. જ્યાં સંધ્યા આરતીના દર્શન કરશે. રાજકોટમાં નરેશ પટેલ સાથે બેઠક કરે તેવી શક્યાતાઓ સેવાઇ રહી છે. આવતી કાલ મંગળવારે સંકલ્પયાત્રા ઉમિયાધામ ઊંઝા ખાતે પહોંચીને સમાપન થશે.
