રાજકોટ,
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ સમિતીમાં મોટા પાયે ભંગાણ પડી શકે છે.
કોંગ્રેસ સમિતીના આગેવાનો જૂથવાદને કારણે રાજીનામા પણ આપી શકે છે. જો કોંગ્રેસમાંથી એક પછી એક રાજીનામાં પડતાં જશે તો ભાજપના આવનારી લોકસભાની ચૂંટણીમાં ફાયદો થઇ શકે છે.
કોંગ્રેસના શહેરના નેતા દ્વારા જાતિવિષયક અપશબ્દો,ઓડિયો થયો વાયરલ
પ્રમુખ હિતેશ વોરાથી કાર્યકરો નારાજ થઇ ગયા છે. જેથી સરધાર ખાતે કોંગ્રેસની મિટીંગ પણ યોજાઇ હતી. ફરિયાદ સેલના ચેરમેન ધર્મેશ ઢાકેચાના નિવાસસ્થાને આ બેઠક મળી હતી. જેમાં હિતેશ વોરા કોંગ્રેસ તોડવાની કામ કરી રહ્યા હોવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદમાં પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નિવાસ સ્થાને પણ બેઠક મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ કોંગ્રેસ પાર્ટી પોતાની પેઢી હોય તેમ ચલાવી રહ્યા છે અને ભરતસિંહ સોલંકી પડદા પાછળ કામ કરી રહ્યા હોય તેવી ચર્ચા થઇ હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
