America News: અમેરિકામાં નોરઈસ્ટર વાવાઝોડાને કારણે જનજીવન ખોરવાઈ ગયું (USA Storm) છે. ભારે પવન અને વરસાદના કારણે 9 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. હવાઈ સેવાઓ પણ આ ઘટનાથી મોટા પ્રમાણમાં પ્રભાવિત થઈ છે. અત્યાર સુધીમાં 1800થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે, જ્યારે 400થી વધુ ફ્લાઇટ્સ રદ (Flight Cancellations) કરવામાં આવી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે પૂર્વ કિનારે સમુદ્રનું જળસ્તર છેલ્લા 14 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી શકે (Sea Level Rise) છે.
USA Storm: થેન્ક્સગિવિંગની મુસાફરી પર અસર
અમેરિકાના પૂર્વ કિનારે નોરઈસ્ટર વાવાઝોડું (America Weather) આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની અસરથી ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, ફિલાડેલ્ફિયા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ખરાબ હવામાનના કારણે થેન્ક્સગિવિંગની રજાઓમાં પરિવારજનો અને મિત્રો સાથે સમય વિતાવવા પ્રવાસે નીકળેલા લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ પણ ચેતવણી આપી છે કે થેન્ક્સગિવિંગના દિવસે ઉત્તર-પૂર્વ અમેરિકામાં ખરાબ હવામાનને કારણે હવાઈ સેવાઓ ખોરવાઈ શકે છે. એક ટ્રાવેલ વેબસાઇટના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન એટલાન્ટા એરપોર્ટ સૌથી વધુ વ્યસ્ત રહેવાની શક્યતા છે.
તીવ્ર મોજાંથી દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ
અમેરિકાના પશ્ચિમ કિનારે સમુદ્રમાં ઊઠી રહેલા તીવ્ર મોજાંને કારણે દરિયાકાંઠે બનેલાં અનેક માળખાંને નુકસાન થયું છે. સાન ડિયેગો નજીક દરિયાની સપાટી અગાઉના તમામ રેકોર્ડને વટાવીને નવા ઊંચા સ્તરે પહોંચી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા વધી છે.
બીજી તરફ, પૂર્વીય કિનારે 2012માં આવેલા સુપરસ્ટોર્મ સેન્ડી બાદ સમુદ્રનું જળસ્તર સૌથી ઊંચું રહેવાની આગાહી કરવામાં આવી છે. ડેલાવેર અને ન્યૂ જર્સીના કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારણે વીજળીની લાઇનોને નુકસાન પહોંચવાની સાથે વીજ પુરવઠો ખોરવાઈ જવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
મધ્ય અમેરિકામાં વરસાદ અને હિમવર્ષાની આગાહી
ખરાબ હવામાનની અસર દરિયાકાંઠાના વિસ્તારો પૂરતી મર્યાદિત નથી. અમેરિકાના મધ્ય વિસ્તારોમાં બુધવારથી શુક્રવાર દરમિયાન વરસાદ સાથે હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.
આ ઉપરાંત, પેસિફિક નોર્થવેસ્ટ વિસ્તારમાં બુધવારની રાતથી ભારે વરસાદ અને જોરદાર પવનનો નવો દોર શરૂ થવાની સંભાવના છે. આમ, અમેરિકાના અલગ-અલગ વિસ્તારોમાં ભારે પવન, વરસાદ, હિમવર્ષા અને દરિયાઈ પૂરનું જોખમ યથાવત્ છે.
આ પણ વાંચો: અમેરિકામાં ‘મિલ્ટન’ વાવાઝોડાંના કારણે 2100 ફ્લાઈટ્સ કેન્સલ, નાગરિકોને કરાયા એલર્ટ
આ પણ વાંચો: અમેરિકામાં ભયંકર શિયાળુ વાવાઝોડાની ચેતવણી,એર ઈન્ડિયાએ ન્યૂ યોર્ક-નેવાર્કની બધી ફ્લાઇટ્સ રદ કરી
આ પણ વાંચો: વાવાઝોડાનો વિનાશ અને જમીન પરથી ઉખડી ગયા મકાનો,ગાડીઓના ઢગલા… અમેરિકામાં ચક્રવાત બાદ રાજ્યોની હાલત કેવી છે?
