નવી દિલ્હી,
અયોધ્યાના બહુચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદની વિવાદિત જમીનને લઇ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા બંધારણીય બેંચ અને જસ્ટિસ યૂ યૂ લલિત પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે, “પાંચ જજોની બેન્ચમાં શામેલ જસ્ટિસ યૂ યૂ લલિત વર્ષ ૧૯૯૪માં કલ્યાણ સિંહ તરફથી કોર્ટમાં રજૂ થયા હતા”.

જો કે ત્યારબાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી આ પાંચ જજોની બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ યૂ યૂ લલિત બહાર થઇ ગયા છે, ત્યારબાદ હવે નવી ખંડપીઠનું ગઠન કરવામાં આવશે.
શું છે આ મામલો ?
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા કલ્યાણ સિંહના જે કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વર્ષ ૧૯૯૪નો છે.

હકીકતમાં, કલ્યાણ સિંહ જયારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૧૯૯૨માં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલમાં કોર્ટના આદેશની અવગણના કરવાના મામલે સુનાવણી થઇ હતી અને યૂ યૂ લલિત વકીલના રૂપમાં રજૂ થયા હતા.
આ મામલે કલ્યાણ સિંહને ૧ દિવસ અને ૨૦ હજાર રૂપિયાનો દંડ પણ થયો હતો.
આ ઉપરાંત યૂ યૂ લલિત કલ્યાણ સિંહ અને સીપી જોશી વચ્ચેના વર્ષ ૨૦૧૧ના સુપ્રીમ કોર્ટના એક મામલમાં પણ કલ્યાણ સિંહના વકીલ રહી ચુક્યા છે.
જોવામાં આવે તો, ૬૧ વર્ષીય યૂ યૂ લલિત ૨G ગોટાળો, સલમાન ખાનના કાળા હરણનો શિકાર, વી કે બર્થડે વિવાદજેવા હાઈપ્રોફાઈલ કેસમાં પણ વકીલ રહી ચુક્યા છે.
