દેશની બે સૌથી મોટી સરકારી બેંકે તેના બચતખાતાના ખાતાધારકો માટે મિનિમમ બેલેન્સના નિયમોમાં મોટો બદલાવ કર્યો છે. ખાતાધારકના લોકેશન પ્રમાણે આ બદલવાને અમલી કરવામાં આવશે. લોકેશન મુજબ ખાતાધારકોએ બેંકમાં પ્રત્યેક મહિના નિયમ મુજબ રોકડ રાખવી પડશે. ભારતીય સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડાએ મિનિમમ બેલેન્સના નિયમોમાં બદલાવ કર્યો છે.
મેટ્રો શહેરોમાં ખાતાધારકોએ રૂ.3000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે
એસબીઆઇએ જારી કરેલા મિનિમમ બેલેન્સના નવા નિયમ અનુસાર મેટ્રો કે મોટા શહેરોમાં રહેતા બેંકના ખાતાધારકોએ પ્રત્યેક મહિને ન્યૂનત્તમ 3 હજાર ખાતામાં જમા રાખવા પડશે. નાના શહેરોમાં રહેતા ખાતાધારકોએ પ્રત્યેક મહિને 2 હજાર રૂપિયા તેમજ ગ્રામીણ વિસ્તારના ગ્રાહકોએ ન્યૂનતમ 1 હજાર રૂપિયા બેંકમાં જમા રાખવા પડશે.
SBI પેનલ્ટીની કરશે વસૂલાત
જો કોઇ ખાતાધારક મિનિમમ બેલેન્સના નિયમોનું ઉલ્લઘંન કરશે તો તેમની પાસેથી અતિરિક્ત રૂ.10-15 જીએસટીના વસૂલાશે. જ્યારે નાના શહેરોના ખાતાધારકો પાસેથી પેનલ્ટી તરીકે રૂ.7.50 થી રૂ.12 વસૂલાશે. ગ્રામીણ વિસ્તારના લોકો પાસેથી પેનલ્ટી તરીકે રૂ.5 થી રૂ.10ની રકમ વસૂલાશે.
બેંક ઓફ બરોડામાં મિનિમમ બેલેન્સ કેટલું રાખવું પડશે
બેંકે ઓફ બરોડામાં દેના અને વિજયા બેંકનું વિલિનકરણ થઇ ચૂક્યું છે ત્યારે હવે મેટ્રો શહેરના ખાતાધારકોએ રૂ.2000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે જ્યારે નાના શહેરોના ખાતાધારકો માટે રૂ.1000 ની મર્યાદા રાખવામાં આવી છે. જો કે મેટ્રો અને નાના શહેરોના લોકો માટે આ રકમ ત્રિમાસિક ગાળા માટે નક્કી કરવામાં આવી છે. તેથી મેટ્રો શહેરોમાં અને નાના શહેરોમાં પ્રત્યેક ત્રિમાસિક ગાળામાં ખાતાધારકોએ અનુક્રમે રૂ. 2000 અને રૂ.1000ની રકમ જમા રાખવી પડશે.

BOB ખાતાધારકોને કરશે આટલો દંડ
બેંક ઓફ બરોડાના મિનિમમ બેલેન્સના નિયમોનું ઉલ્લંઘન કરવા પર બેંક પેનલ્ટીની વસૂલાત કરશે. જેના નિયમ મુજબ મેટ્રો અને અન્ય શહેરોમાં રૂ.200 દંડ તરીકે વસૂલાશે જ્યારે નાના શહેરોમાં દંડ તરીકે ખાતાધારકો પાસેથી રૂ.100ની રકમની વસૂલાત કરવામાં આવશે.
જો કે બન્ને બેંકોએ જન ધન યોજના અને બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ ખાતામાં મિનિમમ બેલેન્સમાં છૂટ આપી છે.
