નવી દિલ્હી,
ટિકટોક યૂર્ઝર્સ માટે એક ખરાબ સમાચાર છે. હકીકતમાં કેન્દ્ર સરકારે ગૂગલ અને એપલને તેના એપ સ્ટોર્સમાંથી પ્રખ્યાત ચાઇનીઝ શોર્ટ વીડિયો એપ ટિકટોકને હટાવી દેવાનો નિર્દેશ કર્યો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે સોમવારે મદ્રાસ હાઇકોર્ટે એપ પર લગાવાયેલા પ્રતિબંધ પર સ્ટે લાગુ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિકસ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીએ આ પગલું લીધુ હતું.
ટિકટોકના વધુ ડાઉનલોડ્સ પર લગામ
મદ્રાસ હાઇકોર્ટ 16 એપ્રિલના રોજ આ અંગે સુનાવણી કરવાની હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા 22 એપ્રિલના રોજ સુનાવણી કરવામાં આવશે. ત્યાં સુધી, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો આ આદેશ આ એપના વધારે ડાઉનલોડ્સને રોકવામાં મદદરૂપ થશે. જો કે ટિકટોકના હાલના યૂર્ઝસ તેનો ઉપયોગ કરી શકશે.
સૂત્રો અનુસાર હાઇકોર્ટે સરકારને ટિકટોક એપ્લિકેશનના ડાઉનલોડ્સ પર રોક લગાવવા કહ્યું છે. મંત્રાલય ગૂગલ અને એપલને તેના એપસ્ટોરમાંથી એપ ડીલિટ કરવાનું કહીને આ બાબત સુનિશ્વિત કરી રહી છે. હવે કંપની આ આદેશનું પાલન કરશે કે તેની વિરુદ્વ અપીલ કરશે તે કંપની પર છે. મદ્રાસ હાઇકોર્ટે અગાઉ સરકારને ટિકટોક એપના ડાઉનલોડ્સને રોકવાનો નિર્દેશ આપ્યો હતો.
નોંધનીય છે કે ટિકટોક એપ ખાસ કરીને ભારતના યુવાવર્ગમાં લોકપ્રિય છે. આ એપના માધ્યમથી લોકો તેના કૌશલ્યને પ્રદર્શિત કરી શકે છે પરંતુ તેની સાથોસાથ આ એપના માધ્યમથી આપત્તિજનક અને અશ્લીલ સામગ્રીનો પણ ફેલાવો થતો હોવાનો આરોપ છે જેને કારણે જ સરકારે આ એપના ડાઉનલોડ્સ પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો છે.
