ભાવનગરમાં દિવસે દિવસે આખલાઓનો આતંક વધી રહ્યો છે. આખલાના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં આખલાએ એક આધેડ પર હુમલો કરતા આધેડને ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભાવનગરના ભીડભંજન ચોક પાસેની કે જ્યાં બે આખલાઓની લડાઇ ચાલી રહી હતી. આ દરમિયાન એક આધેડે પોતાની હિંમત બતાવી અને આખલાઓને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો. જો કે આ આધેડ આખલાઓને છૂટા પાડવા માટે લાકડી લઇને ગયો હતો. લડાઇમાં વ્યસ્ત આખલાઓ એક સમયે લાકડી જોઇને છૂટા તો પડ્યા પરંતુ ગણતરીની સેકન્ડમાં આખલાએ આધેડ પર હુમલો કરી નાંખ્યો હતો. જેથી આ આધેડે બે થી ત્રણ વાર રસ્તા પર પટકાયો હતો. જેને કારણે તેને ઇજા પહોંચી હતી. આ ઘટના જોઇને લોકો આધેડને બચાવવા દોડી આવ્યા હતા. આ પ્રકારની વારંવાર બનતી ઘટના છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેવું પ્રતિત થઇ રહ્યું છે. હવે નિષ્ક્રીય તંત્ર આ અંગે ક્યારે પગલાં લેશે તે જોવું જ રહ્યું.
