આતંકી સંગઠન આઈએસના મુખિયા અબુ બકર અલ-બગદાદીનો પાંચ વર્ષ પછી પહેલીવાર એક વીડિયો સામે આવ્યો છે. તેથી તે જીવતો હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે. સોમવારે ISISએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં બગદાદીને દર્શાવવામાં આવ્યો છે. જોકે હજી એ સ્પષ્ટ નથી કે આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આઈએસ મુખિયાનો પણ એક ઓડિયો સામે આવ્યો છે. તેમાં તેણે 21 એપ્રિલે શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટને આઈએસના છેલ્લા ગઢ બગૌજમાં મારવામાં આવેલા આતંકીઓનો બદલો ગણાવવામાં આવ્યો છે. આ બ્લાસ્ટમાં 253 લોકોના મોત થયા હતા.
અબુ બકરના જારી થયેલા આ વીડિયોમાં અબુ બકર અલ-બગદાદી કાળા અને ગ્રે કલરના કપડા પહેર્યા છે અને તેની પાછળ એક અત્યાધુનિક હથિયાર પણ નજરે પડે છે. જે રૂમમાં બગદાદી બેઠો છે તેની દિવાલ પર સફેદ પેન્ટ કરેલો છે. રૂમમાં બદગાદી ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિ પણ નજરે પડે છે. વીડિયોમાં આ ત્રણે વ્યક્તિઓના ચહેરા બ્લર કરી દેવાયા છે.
ઉલ્લેખનિય છે કે છેલ્લા પાંચ વર્ષથી દુનિયાનો સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકી જાણે અદ્રશ્ય થઈ ગયો હતો. જે પાંચ વર્ષ દરમિયાન અનેકવાર તેના મોતના પણ સમાચારો વહેતા થયા હતા. જ્યાં હવે તેનો નવો વીડિયો સામે આવતા દુનિયાભરની એજેન્સીઓ સતર્ક બની ગઈ છે.
