અમદાવાદ,
રાજ્ય સરકાર ભલે ગમે તેટલા વિકાસના બણગાં ફૂંકતી હોય પરંતુ જમીન પરની વાસ્તવિકતા ખૂબ જ કડવી છે.આપને જે તસવીરો જોવા મળી રહી છે તે જોતા લાગશે કે નર્ક તો અહીં જ છે.
અમદાવાદના વીંઝોલ ગામમાં ઝેર ઓકતી કેમિકલની ફેક્ટરીઓનું એટલું ભયાનક પ્રદુષણ છે કે સ્કૂલે જતા બાળકોનો જીવ જોખમમાં. મુકાઈ જાય.વીંઝોલના સાઈનાથ ક્વાર્ટરમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં અભ્યાસ કરે છે.આ વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે રોજે રોજ ઝેરી કેમિકલના પ્રદુષિત પાણીમાંથી પસાર થવું પડે છે.આવા પ્રદૂષણ યુક્ત પાણીની કેનલ હવે બાળકો માટે જાનનું જોખમ બની રહી છે.

વિઝોંલ ગામ વિકાસ સમિતિ ની તથા વાલીઓ ની માગણી છે કે આ ગેરકાયદેસર કેમીકલ કેનાલમાં ઠાલવવાનુ બંધ કરી આ ખારીકટ કેનાલ ઉપર સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાનુ ગળનાળુ કે પુલ બનાવવામાં આવે.
અહીંના સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓ માટે કોર્પોરેશને ખાસ વાહનની વ્યવસ્થા કરવાની પણ માગણી કરી છે.હાલમાં આ બાળકો કેનાલ સિવાય અન્ય રસ્તેથી સ્કૂલે આવે તો પાંચ કી.મી ફરીને આવવુ પડે તેમ છે.વિદ્યાર્થીઓને લાંબો રસ્તો કાપવો ના પડે એટલે તેઓ કેનલમાં થઈને સ્કૂલે પહોંચે છે.કેનલમાં સતત ઝેરી કેમિકલનું પાણી છોડતું રહેતું હોવાથી બાળકોના પગમાં સડો થાય તેવી સ્થિતિ છે.

અહીંના સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલ કહે છે કે અગાઉ અહીં પુલ બનાવવા મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સામાન્ય સભામાં દરખાસ્ત કરી હતી તેને ૩ વષૅ થઇ ગયા છે.કોર્પોરેશનનું તંત્ર સિંચાઈ વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવશે તેવું કહી છટકી જાય છે.ટેક્ષ લેવામાં આવે છે પરંતુ આ કામ કરવા તૈયાર નથી જેથી આ બાબતે યોગ્ય કરવા સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ને રજૂઆત કરવામાં આવી છે.
