Kheda News/ શિક્ષક કે ભૂમાફિયા! સરકારી જમીન વેચનાર ‘માસ્ટરમાઈન્ડ’ શિક્ષક 56 દિવસ બાદ ઝડપાયો

Kheda : મહેમદાવાદના વાંઠવાળીમાં સિંચાઈ વિભાગની જમીન વેચવાના કૌભાંડમાં મુખ્ય આરોપી શિક્ષક આશિષ પટેલની 56 દિવસ બાદ ધરપકડ. જાણો સમગ્ર મામલો.

Gujarat Top Stories Others
Kheda Land Scam

Kheda Land Scam: કહેવાય છે કે ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’, પણ ખેડામાં એક શિક્ષકે જે કર્યું તે જાણીને તમે ચોંકી જશો. વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાને બદલે એક શિક્ષકે સરકારી જમીન વેચવાનું કારસ્તાન આચર્યું. મહેમદાવાદના વાંઠવાળી ગામની સિંચાઈ વિભાગની કરોડોની જમીન બારોબાર વેચી મારવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ગણાતા શિક્ષક આશિષ પટેલની પોલીસે 56 દિવસની નાસભાગ બાદ ધરપકડ કરી લીધી છે.

શિક્ષક બન્યો ભૂમાફિયા: કેવી રીતે આચર્યું કૌભાંડ?

આરોપી આશિષ પટેલે વ્યવસાયે શિક્ષક હોવા છતાં કાયદાના લીરેલીરા ઉડાડ્યા હતા. તેણે સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખીને વાંઠવાળી ગામમાં આવેલી સિંચાઈ વિભાગની કિંમતી જમીનના બોગસ અને ડમી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ત્યારબાદ આ સરકારી જમીન ખાનગી વ્યક્તિઓને વેચીને મોટું આર્થિક કૌભાંડ આચર્યું હતું. જ્યારે ભાંડો ફૂટ્યો ત્યારે તે ફરાર થઈ ગયો હતો.

56 દિવસની લુકાછુપીનો અંત

મહેમદાવાદ પોલીસ છેલ્લા બે મહિનાથી આશિષ પટેલને શોધી રહી હતી. તે પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો. આખરે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ માસ્ટરમાઈન્ડને દબોચી લીધો છે. આ ધરપકડથી અન્ય ભૂમાફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

કુલ 8 આરોપીઓ: કોણ ક્યાં છે?

આ ચકચારી જમીન કૌભાંડમાં પોલીસ તપાસ દરમિયાન કુલ 8 શખ્સોના નામ ખુલ્યા હતા. પોલીસની કડક કાર્યવાહી બાદ હાલની સ્થિતિ જોઈએ તો, આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતા માસ્ટરમાઈન્ડ આશિષ પટેલ સહિત કુલ 5 આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય આરોપીઓ પૈકી એકનું આ સમયગાળા દરમિયાન કુદરતી મૃત્યુ થયું છે. બીજી તરફ, ધરપકડની બીકે એક આરોપીએ કાનૂની દાવપેચ અજમાવીને આગોતરા જામીન મેળવવા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

Kheda : હવે પોલીસ શું કરશે?

પોલીસ હવે આ કેસના મુખ્ય સૂત્રધાર આશિષ પટેલના રિમાન્ડ મેળવીને સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે. આ તપાસ દરમિયાન પોલીસ સમક્ષ સૌથી મહત્વના સવાલો એ ઉભા થયા છે કે, આ કૌભાંડ થકી એકત્ર કરાયેલા લાખો રૂપિયા ક્યાં રોકવામાં આવ્યા છે? શું આટલા મોટા કૌભાંડમાં મહેસૂલ વિભાગના કોઈ મોટા માથાઓ કે અધિકારીઓની પણ મિલીભગત છે કે કેમ? અને શું આ ટોળકીએ આ સિવાય અન્ય કોઈ સરકારી જમીન પણ વેચી મારી છે? હવે પોલીસ આ તમામ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરશે જેથી સત્ય બહાર આવી શકે.


આ પણ વાંચો: ખેડામાં શિક્ષણ જગત શર્મશાર! પૂર્વ વિદ્યાર્થિનીનો સાવલી સુધી પીછો કરી શિક્ષકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

આ પણ વાંચો: ખેડા ACBએ 2021ની લાંચની ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો

આ પણ વાંચો: ખેડા જિલ્લામાં લાંચકાંડનો ખુલાસો, કપડવંજ ગામ પોલીસના ત્રણ કર્મચારીઓ સામે ACBનો ગુનો નોંધ્યો