દિલ્હી,
દિલ્હી ચૂંટણીપંચ દ્વારા મતદાનના ઈતિહાસને અનોખી રીતે સાચવવામાં આવ્યો છે. દેશમાં વર્ષો પહેલા વપરાતી મતપેટીઓને યુવા પેઢી માટે આજે પણ દિલ્હી ચૂંટણીપંચ ખાતેના મ્યુઝિયમ પર સાચવાવામાં આવી છે. વર્ષ 1951થી શરૂ કરીને અત્યારના ઈવીએમ સુધીની સફર અહીં મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે.
કશ્મીરી ગેટ વિસ્તારમાં દિલ્હી ચૂંટણી પંચની ઓફિસ આવેલી છે. આ ઓફિસ જે સ્થળે બેસે છે તે પણ એક ઐતિહાસિક સ્થળ છે. આ જ સ્થળ ખાતે ચૂંટણીપંચે ખાસ મતપેટી મ્યુઝિયમ તૈયાર કર્યુ છે. આ અંગે દિલ્હી ચૂંટણી પંચના મિડીયા કો-ઓર્ડિનેટર સુબોદ રાવતે મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ભાવિ પેઢીને મતદાનના ભવ્ય ભૂતકાળનો ખ્યાલ આવી શકે તે માટે આ ખાસ મ્યુઝિયમ તૈયાર કરાયુ છે,જેમાં વર્ષ 1951-52માં જે પ્રકારે લોખંડના ડબ્બા આકારમાં મતપેટીઓ વપરાતી હતી તેને પણ સાચવવામાં આવી છે.
દેશમાં સૌપ્રથમ વખત વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે પહેલા 1962, 1977, 1984 અને 1993 સહિતની લોખંડની મજબુત મતપેટીઓનો સંગ્રહ આ મ્યુઝિયમમાં કરવામાં આવ્યો છે
