Not Set/ પ્રજાના પ્રશ્નો પ્રત્યે વહીવટીતંત્ર કેમ ઉદાસીન ? જો નેતાને પ્રશ્ન રજૂ કરવા પત્ર લખવા પડે તો સામાન્ય પ્રજાનું શું..?

ગુજરાતમાં રાજકીય નેતા દ્વારા પ્રજાકીય પ્રશ્નો ઉકેલવા થતી રજૂઆત સત્તાધીશોના કાને અથડાતી નથી..ત્યારે હવે રાજકીય નેતાઓએ પત્ર લખવાનો અભિગમ અપનાવ્યો છે. નેતા દ્વારા લખાયેલા પત્ર મિડિયા સુધી જલદી પહોંચે છે. અને પછી વહીવટીતંત્ર સફાળુ જાગૃત બને છે. અને સમસ્યાને વાચા આપવા તંત્રમાં દોડધામ મચી જાય છે. ગુજરાતના બિસ્માર રસ્તા કે અતિ વરસાદના કારણે ખેડૂતના પાકને […]

Top Stories Gujarat

ગુજરાતમાં રાજકીય નેતા દ્વારા પ્રજાકીય પ્રશ્નો ઉકેલવા થતી રજૂઆત સત્તાધીશોના કાને અથડાતી નથી..ત્યારે હવે રાજકીય નેતાઓએ પત્ર લખવાનો અભિગમ અપનાવ્યો છે. નેતા દ્વારા લખાયેલા પત્ર મિડિયા સુધી જલદી પહોંચે છે. અને પછી વહીવટીતંત્ર સફાળુ જાગૃત બને છે. અને સમસ્યાને વાચા આપવા તંત્રમાં દોડધામ મચી જાય છે. ગુજરાતના બિસ્માર રસ્તા કે અતિ વરસાદના કારણે ખેડૂતના પાકને થયેલાં નુક્સાન અંગે સરકાર અને વિભાગમાં નેતાની રજૂઆતથી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. અને એટલે હવે પત્રના માધ્યમથી સમસ્યાનું સમાધાન કરાવવાનો સિલસિલો જાણે ચાલી રહ્યો છે.

ગુજરાત ભાજપના સિનિયર નેતા હોય કે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા,  પત્ર લખીને પોતાની વ્યથા રજૂ કરતાં હવે આ દિશામાં ગંભીર જોવા મળી છે. ભાજપના સિનિયર નેતા આઇ.કે.જાડેજાએ અમદાવાદના બોપલના રસ્તા અંગે ઔડાના સત્તાધિકારી સમક્ષ ટ્વીટરના માધ્યમથી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો, અને તુરત જ તંત્ર દોડતું થયું, ત્યારપછી આ સિલસિલો જાણે કે યથાવત આગળ વધતો રહ્યો.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલાં આર્થિક નુક્સાન અંગે મુખ્યપ્રધાનને પત્ર પાઠવ્યો છે. ખરીફ પાકમાં 50 ટકા વાવેતર નિષ્ફળ ગયું છે. ખેડૂતોને થયેલાં આર્થિક નુક્સાનનું વળતર આપવાની માંગ તેઓએ કરી છે.

પ્રજાના પ્રશ્નો સરકાર સુધી લઇ જવામાં માત્ર વિપક્ષ કોંગ્રેસ જ નહીં, પરંતુ આઇ.કે.જાડેજા થી શરૂ થયેલો સિલસિલો ભાજપમાં પણ આગળ વધ્યો અને હવે પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલાં ભાજપના નેતા પણ પત્ર લખીને વહીવટીતંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવા લાગ્યા છે. ભાજપના નેતાએ લખેલાં પત્રમાં સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય આશાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબલિયા અને છેલ્લે ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક પંકજ દેસાઇનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસના નેતામાં ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને યુવાનેતા હાર્દિક પટેલનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ-ભાજપના આ નેતાઓએ ગુજરાતમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકને નુકસાન થયું છે. કૃષિ વિભાગ દ્વારા થયેલાં સર્વેની કાર્યવાહી ખોટી હોવાની રજૂઆત ખુદ ભાજપના જ સાંસદે કરી છે. તો મોટાભાગના નેતાએ કૃષિપાકને થયેલાં નુક્સાનના વળતરની માંગ કરી છે. પંકજ દેસાઇ કે જેઓ ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક છે, તેઓએ નગરપાલિકાના રસ્તા અંગે વહીવટીપાંખ નિષ્ક્રિય હોવાનું જણાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

એક વાત ચોક્કસ છે કે ગુજરાત સરકાર સૌનો સાથ – સૌનો વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહી છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા નેતાની રજૂઆત જ કાને ધરાતી નથી અને અંતે પત્ર લખવા સુધીની ફરજ નેતાને પડે છે..અને આ સમયે તંત્ર પણ તુરત જ દોડતું થાય છે, તો પ્રશ્ન એ છે કે કોઇપણ પ્રજાના પ્રશ્ન લખવા શું નેતાને પત્ર લખવો જ પડે ? પ્રજાના પ્રશ્નો પ્રત્યે વહીવટીતંત્ર સજાગ કેમ બનતું નથી ? નેતાને જો પ્રશ્ન રજૂ કરવા પત્ર લખવા પડે તો સામાન્ય પ્રજાની સમસ્યા સરકાર સુધી કરવામાં આવે છે. , તેઓની સમસ્યા ક્યારે હલ થતી હશે ? આ પ્રશ્નનો જવાબ સત્તાધીશ આપશે ખરા ?  વાસ્તવમાં પત્ર લખ્યા વિના પણ પ્રજાના કાર્ય થવા જ જોઇએ…પરંતુ નેતા દ્વારા થતી રજૂઆત પણ જો વહીવટીપાંખના ઉચ્ચઅધિકારીઓ ધ્યાનમાં લેતા નથી..તો સામાન્ય પ્રજાની રજૂઆતનું શું થતું હશે ? તે પ્રશ્નનો જવાબ વહીવટીતંત્ર આપશે ખરા ?

જો કે મુખ્યપ્રધાને આ રજૂઆતની ગંભીર નોંધ લીધી છે. અને હવે વહીવટીતંત્રને જાગૃત કરવા પણ તેઓ ખુદ રૂચિ દાખવી રહ્યાં છે. અને તેનું ઉદાહરણ હજી તાજેતરમાં જ આંગણવાડી કાર્યકરને ટેલિફોન કરી માહિતી મેળવવાનો મુખ્યપ્રધાને કરેલો પ્રયાસ છે. જેમાં આંગણવાડી કાર્યકરનો ફોન બંધ આવતાં તંત્રને સખ્ત શબ્દોમાં મુખ્યપ્રધાને ઠપકો પણ આપ્યો છે. ત્યારે વહીવટીતંત્રને જગાડવા સરકાર સક્રિય છે. તેવી પ્રતિતિ થાય છે. પરંતુ હવે વહીવટીતંત્ર જ્યાં સુધી જાગૃત નહી બને ત્યાં સુધી પ્રજાની સમસ્યા યથાવત ત્યાંની ત્યાં જ રહેશે. ત્યારે વહીવટીતંત્ર પણ જાગૃત બનીને સમસ્યાને વાચા આપશે ત્યારે જ સરકારના સંકલ્પ સૌનો સાથ – સૌનો વિકાસ સાર્થક થઇ શકશે.

Story by @Arun Shah……………….

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.