દેશ – દુનિયામાં કોરોનાના કહેરના કારણે લોકડાઉન અમલી છે અને તમામ લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી છે, ત્યારે લોકડાઉનમાં શિસ્ત રાખનારા લોકો પોતાનાં શહેર અને જીલ્લાને કોરોનાનાં કહેરથી બચાવી શક્યા છે. જે શિસ્તમાં રહેયા તે જીલ્લામાં કોરોનાની પ્રવેશબંઘી રહેતા, સરકાર દ્વારા આવા જીલ્લાને ગ્રીન ઝોનમાં મુકવામાં આવતા લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં આવા જીલ્લાને અમુક છુટછાટ પણ મળી. અને આ શિસ્તનાં સારા પરિણામો માણી રહ્યું છે જામનગર આજે. જી હા, જામનગરમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને આ સમાચારથી ખેડૂતોનાં જીવમાં જીવ આવ્યો હોવાનુ પ્રતિત થઇ રહ્યું છે.
જામનગરમાં આજથી હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે. જેમાં હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શ્રીફળ વિધિ કરી આ ટેકાના ભાવની ચણાની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ જાળવી આ સંપૂર્ણ ખરીદી જામનગર તાલુકા ખાતે જામનગર તાલુકા ખરીદ વેચાણ સંઘ હસ્તક કામગીરી કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડુતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. જેને અનુસંધાને ગુજરાતમાં ૧લી મેથી ચણા અને રાયડાની ખરીદીનો અમરેલી ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ઝોનમાં ચણા અને રાયડાની ખરીદીની પ્રક્રિયા ચાલુ થઇ છે. જામનગરમાં આજે આ ખરીદીનો પ્રારંભ કરવામાં આવેલ છે. રૂ. 975 ના ભાવે ખેડૂતો પાસેથી ચણા ની ખરીદી કરવામાં આવી રહી છે..જામનગરમાં આશરે ૪૬૦૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે જેમની જણસની ખરીદી સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કરવામાં આવશે. આ સાથે જ રાજ્ય મંત્રી એ હાપા યાર્ડ ખાતે હાલમાં થઈ રહેલી ઘઉંની ખરીદીની સમીક્ષા પણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
