કોરોના મહામારી ગ્રહણ વચ્ચે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે આજે શ્રાવણના પ્રથમ દિવસે રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. બાર જ્યોર્તિલીંગમાના એક એવા સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે. ભીડ એવી કે મંદિરમાં હાજર પોલીસ કર્મીઓ માટે આ ભીડને સંભાળવી જાણે માથાનો દુખાવો બની ગઈ છે. ગીર સોમનાથના સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે કોવિડની ગાઈડલાઇનના ધજાગરા ઉડેલા જોવા મળ્યા હતા.
શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ જામી હતી. તો સાથે જ ધક્કામુક્કી અને ટોળા થવાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોતા રહી ગયા. કોવિડની ગાઈડલાઇનના ચુસ્ત પાલન માટેના ટ્રસ્ટ અને તંત્રના દાવા પોકળ સાબિત થયા છે.
જણાવીએ કે અહીં લોકોમાં ના તો કોરોનાનો ડર છે, ના માસ્ક અને ના તો સોશિયલ ડિસટન્સની ચિંતા છે. ગરમીમાં લાંબી લાઇનમાં ઉભેલા ભક્તો માટે પણ આ ભીડ મુશ્કેલી રૂપ બની છે, અને કદાચ એટલે જ લાઇનમાં ઉભેલા એક ભક્ત અને ભીડને સંભાળી રહેલા પોલીસ કર્મી વચ્ચે બબાલ થઇ.
પોલીસ કર્મચારીએ પિત્તો ગુમાવ્યો અને ભીડને જાણે ધક્કો માર્યો.ભીડમાં ઉભેલા એક ભક્તથી આ સહન ન થયું અને કરી બેઠો પોલીસ સાથે બબાલ. પહેલા પોલીસ કર્મીએ લાફો માર્યો અને પછી ભક્તે પોલીસને લાફો માર્યો.. જો કે આ જ વાત આસપાસ ઉભેલા પોલીસ કર્મીથી સહન ન થઇ અને એક સાથે ત્રણ – ત્રણ પોલીસ કર્મીઓ લાઇનમાં ઉભેલા ભક્ત પર એ રીતે તુટી પડ્યા જાણે કોઇ આરોપી હોય.સાથે જ આ યુવાનને પોલીસ કર્મી મંદિર બહાર લઇ ગયો.
જ્યારે આ સંઘર્ષ સર્જાયું ત્યારે સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર મુક પ્રેક્ષક બનીને જોતા રહ્યા હતા. સવાલ એ પણ છે કે, સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓને શું નિયમોનો ખ્યાલ નથી, કેમ મંદિરમાં સોશિયલ ડિસટન્સનું ધ્યાન રાખવામાં ન આવ્યું, કેમ એક સાથે આટલા ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો, મંદિરમાં ભીડના કારણે કોરોના વકર્યો તો જવાબદાર કોણ ગણાશે ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
