Amrit Bharat Express Ahmedabad Mumbai Trial: ભારતીય રેલવે હવે વંદે ભારત બાદ વધુ એક આધુનિક ટ્રેન ‘અમૃત ભારત એક્સપ્રેસ’ને પાટા પર ઉતારવા સજ્જ થઈ છે. હાલમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે આ ટ્રેનનું 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન કરવામાં આવી રહ્યું છે. આ એ જ રૂટ છે જ્યાં ભવિષ્યમાં બુલેટ ટ્રેન દોડવાની છે.
અમદાવાદ બનશે અમૃત ભારતનું નવું હબ
રેલવેની યોજના મુજબ, અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન, જે 16 માળના વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે વિકસી રહ્યું છે, તે ભવિષ્યમાં અમૃત ભારત ટ્રેનોનું મુખ્ય હબ બની શકે છે. એવી પણ ચર્ચા છે કે આગામી સમયમાં અમદાવાદથી પટના, દરભંગા કે વારાણસી જેવા લાંબા અંતરના રૂટ પર આ ટ્રેન શરૂ થઈ શકે છે.

પ્રીમિયમ સુવિધા, પણ ભાડું એકદમ સસ્તું!
અમૃત ભારત એક્સપ્રેસની સૌથી મોટી વિશેષતા તેનું ભાડું છે. અનુમાન મુજબ, 1,000 કિલોમીટરની મુસાફરી માટે અંદાજે ₹500 જેટલું જ ભાડું હોઈ શકે છે, જે અન્ય પ્રીમિયમ ટ્રેનો કરતા ઘણું ઓછું અને સામાન્ય જનતા માટે પરવડે તેવું છે.
Amrit Bharat Expressની મુખ્ય ખાસિયતો
અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે મુસાફરીનો સમય ઘટાડવા માટે તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેનમાં ‘પુશ-પુલ’ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, જેમાં બંને છેડે એન્જિન હોવાથી ટ્રેનને ઝડપી પિક-અપ મળે છે. કુલ 22 કોચ ધરાવતી આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ જેવી નોન-AC શ્રેણીના કોચ સામેલ છે. મુસાફરોને ઝટકા વગરની આરામદાયક સફર મળે તે માટે ખાસ સસ્પેન્શન સિસ્ટમ અને સુરક્ષા માટે CCTV તથા આધુનિક LED લાઈટિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
વંદે ભારત અને અમૃત ભારતમાં શું તફાવત છે?
વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણ એસી ટ્રેન છે, જ્યારે અમૃત ભારત એક્સપ્રેસમાં વંદે ભારત જેવી જ એરોડાયનેમિક ડિઝાઇન હોવા છતાં તેમાં માત્ર નોન-એસી સ્લીપર અને જનરલ કોચ છે. આ ટ્રેન એવા મુસાફરો માટે શ્રેષ્ઠ છે જેઓ ઓછા ખર્ચે ઝડપી અને સુરક્ષિત મુસાફરી કરવા ઈચ્છે છે.
આ પણ વાંચો:સુરતથી રાતે અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર મહારાષ્ટ્રનાં નંદુરબાર સ્ટેશન પર પથ્થરમારો
આ પણ વાંચો:રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત,બસ પર પથ્થરમારો, ડ્રાઇવર ઘાયલ
આ પણ વાંચો: બરફની ચાદરમાં દોડી વંદે ભારત ટ્રેન, જમ્મુ-કાશ્મીરનો મનમોહક વીડિયો વાયરલ
