Crypto Market Crash Today: ડિજિટલ કરન્સીમાં રોકાણ કરનારાઓ માટે શુક્રવારનો દિવસ કોઈ મોટા ઝટકાથી ઓછો રહ્યો નથી. લાંબા સમયથી ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે ક્રિપ્ટો માર્કેટ અચાનક મોટા ક્રેશની લપેટમાં આવી ગયું છે. માત્ર 24 કલાકની અંદર વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાંથી આશરે 15.62 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાફ થઈ ગઈ છે.
Bitcoinઅને Ethereumમાં ભારે વેચવાલી
માર્કેટ લીડર ગણાતા બિટકોઈનમાં આશરે 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 82,835 ડોલર પર ટ્રેડ કરતો દેખાયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં જ બિટકોઈન 7 ટકાથી વધુ તૂટી ચૂક્યો છે. બીજી તરફ, ઇથેરિયમ પણ 6 ટકાથી વધુ ગગડીને 2,740 ડોલરની આસપાસ આવી ગયો છે. આ સિવાય બાનાન્સ કોઈન, રિપલ અને સોલાના જેવા મોટા ઓલ્ટકોઈન્સમાં પણ 6 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

માર્કેટ કેપમાં 5% થી વધુનો ઘટાડો
શુક્રવારે સવારે ક્રિપ્ટો માર્કેટ કેપ 5.42 ટકા ઘટીને 2.82 ટ્રિલિયન ડોલર પર આવી ગયું હતું. આ ઘટાડો માત્ર અમુક ટોકન પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ લગભગ તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સી તેની લપેટમાં આવી ગઈ છે, જેનાથી રોકાણકારોની ધારણા નબળી પડી છે.
કેન્ટન (Canton) બન્યું અપવાદ
જ્યારે આખું માર્કેટ લાલ નિશાનમાં હતું, ત્યારે કેન્ટન ક્રિપ્ટો કોઈને રોકાણકારોને થોડી રાહત આપી હતી. આ ભારે ઘટાડા વચ્ચે પણ આ કોઈનમાં 6 ટકાની તેજી જોવા મળી હતી. છેલ્લા એક મહિનામાં કેન્ટને આશરે 16 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.
રોકાણકારોમાં ડરનો માહોલ
માર્કેટમાં કોઈ સુધારાના સંકેત ન મળતા રોકાણકારોમાં ડર વધી રહ્યો છે. ‘ક્રિપ્ટો ફિયર એન્ડ ગ્રીડ ઇન્ડેક્સ’ ગુરુવારના 38 થી ઘટીને શુક્રવારે 28 પર આવી ગયો છે. આ ઇન્ડેક્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે રોકાણકારો હવે નવું રોકાણ કરવાને બદલે પૈસા પાછા ખેંચવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે.
