લીંબડીમાં ભાજપે ભારે મનોમંથન બાદ ફરી એક વખત જૂના જોગી કિરીટસિંહ રાણાને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. તો સામે કોંગ્રેસે નવા ચહેરાને તક આપી છે. લીંબડી બેઠક અંકે કરવા કોંગ્રેસ-ભાજપે પોત-પોતાની રણનીતિ પ્રમાણે રાજકીય ચોપાઠ બીછાવી દીઘી છે, ત્યારે પ્રશ્ન એ ચર્ચાઇ રહ્યો છે કે, કોની રણનીતિ ફળશે ?
વિશ્લેષણનાં સથવારે જો લીંબડી વિધાનસભા બેઠકનાં મત વિસ્તારને તરવા નીકળીએ તો, લીંબડી વિધાનસભા બેઠકનો મત વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લાનો મહત્વનો ભાગ છે. આ બેઠક પર કોળી – ક્ષત્રિય અને તેની સાથે અન્ય સમાજના મતદારો પણ ખાસ્સુ પ્રતિનિધિત્વ ધરાવે છે. ચુડા, સાયલા અને લીંબડી શહેર સહિતનો ગ્રામ્ય વિસ્તારનાં પ્રભુત્વવાળા આ વિસ્તારમાં 2014ની ચૂંટણી મતદાર યાદી પ્રમાણે 399500 મતદારો ધરાવે છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં ત્રણ તાલુકાનો આ મત વિસ્તાર, રાજકોટ અને અમદાવાદથી લગભગ સમાન અંતર ધરાવે છે. લીંબડી શહેર તાલુકાનું મહત્વનું મથક હોવા ઉપરાંત રાજકોટલ-અમદાવાદલ-સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય નગરોના પ્રમાણમાં વિસ્તાર અને વસતિમાં થોડું મોટું છે.
લીંબડી મત વિસ્તારનું સીમાંકન 1962 થી 2010ની વિધાનસભા ચૂંટણી સુધીમાં ચાર વખત બદલાયું હોવાનું નોંધવામાં આવે છે. 1985 સુધી તો આ વિસ્તારમાં 1967 માં સ્વતંત્ર પક્ષ(અપક્ષ)નાં વિજયને બાદ કરતાં અલગ અલગ સમાજનાં કોંગ્રેસી નેતાઓનું પ્રતિનિધિત્વ રહ્યું છે અને કોંગ્રેસનાં જ ઉમેદવારો જીત્યા હતા.
1962 થી 1985 સુધીની છ ચૂંટણીમાંથી પાંચ ચૂંટણીમાં કોંગ્રેસ જીતી હતી. પરંતુ 1990માં આ મત વિસ્તારના મતદારોએ પ્રથમ વખત ભાજપ પર વિજયનો કળશ ઢોળ્યો. ત્યારબાદ 1995 અને 1998ની લોકસભાની ચૂંટણીમાં પણ કિરીટસિંહ રાણા જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે, 1998ના વિજય સાથે રાણાએ વિજયની હેટ્રીક કરી હતી.
પરંતુ 2002માાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને ગોધરાકાંડના ઓછાયા હેઠળ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભવાનભાઈ ભરવાડ વિજય બની ભાજપ અને કિરીટસિંહ રાણાની વિજયકૂચ અટકાવી હતી. 2007માં ફરી કીરીટસિંહ રાણા જીત્યા હતા. જયારે 2012 અને 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના સોમા ગાંડા કોળી પટેલની જીત થઈ હતી. આમ લીંબડી બેઠક પર ભાજપે ચાર વખત અને કોંગ્રેસે આઠ વખત જીત મેળવી છે. છેલ્લી બે ચૂંટણીથી આ બેઠક પર કોંગ્રેસના કોળી ઉમેદવાર જ જીતે છે.
લીંબડી બેઠકની પેટા ચૂંટણી બે વખત યોજાઈ છે જેમાં 1982માં કોંગ્રેસના અને 2014માં ભાજપના ઉમેદવાર જીત્યા હતા. કીરીટસિંહ રાણા ભાજપનું મોટું ક્ષત્રિય માથુ હોવા ઉપરાંત વરિષ્ઠ નેતા ગણાય છે. તેઓ રાજયના પ્રધાનમંડળમાં પ્રધાનપદ પણ ભોગવી ચૂકયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની નજીકના હોવાનું પણ કહેવાય છે. છેલ્લે બે વખતથી કોંગ્રેસના હાથમાં રહેલી આ બેઠક પેટાચૂંટણીમાં આંચકવા માટે જ ભાજપે આ જૂના જોગીને મેદાનમાં ઉતાર્યા છે. રાણા સાતમાંથી પાંચ વખ ચૂંટણી જીતી ચૂકયા છે.
ઉલ્લેખનીય છે કે, 2017માં આ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલે રાજયસભાની ચૂંટણી વખતે રાજીનામું આપતા આ બેઠક ખાલી કરી હતી તેથી આ ચૂંટણી યોજાઈ છે.
પરંતુ આમા જોગાનુજોગ એ છે કે સોમાભાઈને ભાજપે તો ન આવકાર્યા, પરંતુ કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો એનસીપીએ પણ ટીકીટ આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આમ જૂઓ તો તેમના માટે બાવાના બેય બગડયા જેવી સ્થિતિ થઈ છે. સોમા ગાંડા ભાજપમાંથી રાજયસભામાં ગયા હતા. શંકરસિંહ વાઘેલાના શાસન વખતે એસટી નિગમના અધ્યક્ષ પણ બન્યા હતા અને 1998માં ભાવનગર બેઠક પરથી સંસદીય ચૂંટણી પણ લડયા હતા, પણ હાર્યા હતા અને ડીપોઝીટ પણ ગુમાવી હતી. જો કે, ત્યારબાદ તેઓ ભાજપમાં પરત ફરી સાંસદ પણ બન્યા હતા. પરંતુ 2004માં ભાજપે ટિકિટ ન આપતા ફરી કોંગ્રેસનો ખેસ પહેરી 2009ની ચૂંટણીમાં સુરેન્દ્રનગરના સંસદસભ્ય પણ બન્યા હતા. 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.
આપને જણાવી દઇએ કે, આ વખતે કીરીટસિંહ રાણા આઠમી વખત મેદાનમાં ઉતર્યા છે અને તેમની સામે કોંગ્રેસે તદન નવા ચહેરા તરીકે ચેતન ખાચરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે પેટા-ચૂંટણીનાં પરિણામો જ નક્કી કરશે કે મતદારો પોતાની મંજૂરીની મોહર કોના પર લગાવી છે. જૂના જોગી કે નવા નક્કોર…?
