બેન સ્ટોક્સ અને સંજુ સેમસનની ધમાકેદાર ઇનિંગ્સનાં કારણે, રાજસ્થાન રોયલ્સે શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને 7 વિકેટે હરાવ્યુ છે. રાજસ્થાન તરફથી જ્યા સ્ટોક્સે 26 બોલમાં છ ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 50 રન બનાવ્યા, ત્યારે સંજુએ 25 બોલમાં ચાર ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 48 રન બનાવ્યા હતા.
આ બંને સિવાય રોબિન ઉથપ્પાએ 30, કેપ્ટન સ્ટીવ સ્મિથે અણનમ 31 (20 બોલમાં, પાંચ ચોક્કા) અને જોસ બટલરે અણનમ 22 (11 બોલમાં, એક ચોક્કા અને બે છક્કા) ફટકાર્યા હતા. રાજસ્થાન રોયલ્સે 186 રનનાં લક્ષ્યાંકને 17.3 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ પહેલા વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનાં ધમાકેદાર 99 (63 બોલ, છ ચોક્કા અને આઠ છક્કા) અને કેપ્ટન કે.એલ.રાહુલ સાથેની બીજી વિકેટ માટે તેની 120 રનની ભાગીદારીએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 185 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
અબુધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સએ ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓપનર મનદીપ સિંહનાં રૂપમાં કિંગ્સ ઇલેવનની પહેલી વિકેટ જોફ્રા આર્ચરે લીધી હતી, પરંતુ આ પછી કેએલ રાહુલ અને ક્રિસ ગેલે રાજસ્થાનનાં બોલરોની ધુલાઇ કરી હતી. જ્યારે રાહુલ અને ગેલ ક્રિઝ પર હતા ત્યારે સ્કોર ઝડપથી વધી રહ્યો હતો. મેચમાં ગેલનાં શોટ તાકતથી ભરેલા હતા, જ્યારે રાહુલ બાઉન્ડ્રી માટે ટાઇમિંગનો સહારો લેતો હતો. રાહુલે 46 રન બનાવ્યા હતા અને બીજી વિકેટ તરીકે આઉટ થયો હતો. ટીમની ત્રીજી વિકેટ નિકોલસ પૂરણ (22) ની પડી હતી. ગેલ ઇનિંગની છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારીને 99 રન સુધી પહોંચ્યો હતો પરંતુ આ સ્કોર પર તે પછીનાં બોલ પર બોલ્ડ થયો હતો. પંજાબનો સ્કોર 20 ઓવરમાં ચાર વિકેટે 185 હતો. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સે બે-બે વિકેટ ઝડપી હતી.
