Gandhinagar News: વિવાદમાં ન રહો અને કામ કરતાં રહેવાની બાબત અમદાવાદના ભાજપના આગેવાન અને ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માને ફળી છે. 12 ઓગસ્ટ અને 1973માં જન્મેલા જગદીશ વિશ્વકર્માએ 1998માં અમદાવાદના ઠક્કરબાપા નગરમાં બૂથ ઇનચાર્જ તરીકે પહેલી વખત એક કાર્યકરમાંથી મહત્વનો હોદો સંભાળ્યો હતો અને તેના પછી પાછું વાળીને જોયું નથી.
જગદીશ વિશ્વકર્મા તેના પછી અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ બન્યા હતા. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે બજાવેલી કામગીરીની પક્ષે ઉમદા નોંધ લેતા તેમને ભાજપના ઉદ્યોગ સેલના સંયોજક બનાવવામાં આવ્યા હતા. આના પરથી તેમના સંગઠનાત્મક કુશળતાનો ખ્યાલ આવે છે. પક્ષના કાર્યકરો સાથે અને પ્રજાને પક્ષની સાથે જોડવામાં તેમણે આગવી કુશળતા મેળવી છે.
જગદીશ વિશ્વકર્મા હાલમાં રાજ્ય સરકારમાં રાજ્યમંત્રીનું પદ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં, તેઓ સહકારી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્વપૂર્ણ વિભાગોનો હવાલો સંભાળે છે. તેઓ નિકોલ વિધાનસભા મતવિસ્તાર (અમદાવાદ) ના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્ય છે.
2022ની વિધાનસભા ચૂંટણી મુજબ જગદીશ વિશ્વકર્માએ તેમના સોગંદનામામાં ₹29 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. આમ તેઓ અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય બને છે. તેમના વ્યવસાયિક હિતોમાં કાપડ મશીનરી ઉત્પાદન, રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટિંગનો સમાવેશ થાય છે. આમ તેમની સત્તાવાર સંપત્તિ સીએમ ભુપેન્દ્ર પટેલે જાહેર કરેલી સંપત્તિ કરતાં પણ વધારે છે.
હાલમાં પક્ષપ્રમુખના દાવેદારોમાં ઓબીસી આગેવાન તરીકે તેમનું નામ સૌથી આગળ છે. હવે જો તે પક્ષ પ્રમુખ બને તો તેમની સામે સૌથી પહેલો પડકાર તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષને વિજયી બનાવવાનો છે. જો કે તેમને સીએમ ભુપેન્દ્ર પટેલનો સાથ મળવાનો જ છે. આમ છતાં પક્ષ પ્રમુખ તરીકે સી આર પાટિલે સ્થાપેલા ઊંચા માપદંડોની નજીક પહોંચવું કોઈના માટે પણ અઘરું છે. તેમના માટે આ પડકાર હંમેશા રહેશે.
આશ્ચર્યની વાત એ છે કે ભાજપ ગુજરાત જ નહીં, મધ્યપ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં ઓબીસી ચહેરા પર રાજકારણ રમી રહ્યું છે. આમ ભાજપે આગામી વિધાનસભાઓ જ નહીં પણ આગામી લોકસભા ચૂંટણીનો તખ્તો અત્યારથી જ ઘડી નાખ્યો છે.
આ પણ વાંચો: Gandhinagar News/રાજ્યમાં વર્ષ ૨૦૦૦-૦૧માં જાહેર દેવું GSDPના ૨૩.૮૬ % હતું, જે ઉત્તરોત્તર ઘટીને વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજ મુજબ ૧૫.૩૪ % થયું
આ પણ વાંચો: Gandhinagar News/પંચમહાલની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશની શ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” નો એવોર્ડ
આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી

