@કામેશ.ચોકસી,મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ
ગત વખતની ચૂંટણીમાં રાજકોટમાં થઇ હતી કશ્મકશની લડાઇ.બાકી તમામ મહાનગરોમાં ભાજપનો અભૂતપુર્વ દેખાવ થશે રિપિટ?

છેલ્લી ઘડી સુધી કશ્મકશની લડાઇ
2015માં યોજાયેલી છ મનપાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં કોંગ્રેસને ધાર્યા કરતા વધારે સફળતા મળી હતી.જયારે બાકીનાં પાંચ મહાનગરોમાં ભાજપે ક્લિન સ્વિપ કર્યુ હતુ ત્યારે આ વખતે પાંચ વર્ષ પહેલાનાં પરિણામને ભાજપ રિપિટ કરશે કે વધુ શક્તિશાળી બનીને બહાર આવશે તે આવનારો સમય કહેશે.2015માં મુખ્યમંત્રીનાં શહેરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છેલ્લી ઘડી સુધીની કશ્મકશની લડાઇ ચાલી હતી.ભાજપનાં ફાળે 38 બેઠકો ગઇ હતી અને કોંગ્રેસે 34 બેઠકો પર જીત હાંસલ કરી હતી.માત્ર ચાર બેઠકનું અંતર બંને પાર્ટી વચ્ચે રહી ગયું હતું.જો કે 2015માં મુખ્યમંત્રી પદે વિજયભાઇ રૂપાણી નહોતા.આ વખતની ચૂંટણીમાં ગાંધીનગરનું સંચાલન રાજકોટથી થઇ રહ્યું છે ત્યારે રાજકોટમાં ભાજપને 2015 કરતાં મોટી જીતની આશા છે જયારે બાકીનાં મહાનગરોમાં પણ ભાજપને જવલંત સફળતા મળે તેવું દેખાઇ રહ્યું છે જો કે કોંગ્રેસે પણ પોતાનું પરફોર્મન્સ સુધારવા એડીચોટીનું જોર લગાડયું છે.
ભાજપ દ્વારા ડેમેજકંટ્રોલની કવાયત

ભાજપ દ્વારા આ વખતે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પર પુરતુ ફોકસ કરવામાં આવ્યું હતું.ત્રણ મહત્વનાં ધારાધોરણને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરાઇ હતી.જેને લઇને 60 વર્ષથી વધુ વયનાં આગેવાનોની ટિકિટ કપાઇ હતી. તો બીજી બાજુ ભાજપ પક્ષનાં કાર્યકરો- યુવાનોને મહત્વ આપી ટિકિટ ફાળવણી કરાઇ હતી.જેને લઇને ભાજપ કાર્યાલય પર કેટલાંક ઉમેદવારોનો રોષ પણ સામે આવ્યો હતો અને રજૂઆત માટે કાર્યાલયે ઉમેદવાર કક્ષાનાં દાવેદારો સમર્થકો સાથે ઉમટયા હતા.જેમને સાંભળવામાં આવ્યા હતા.
કોંગ્રેસ દ્વારા ખાસ રણનીતિ

એકબાજુ ભાજપે મનપાની ચૂંટણી જીતવા કમર કસી છે તો બીજી બાજુ કોંગ્રેસે પણ આ વખતે ઉમેદવારો માટે ખાસ રણનીતિ બનાવી હતી.કોંગ્રેસ દ્વારા આ વખતે કયાંય ઉમેદવારોને લઇને રોષની ઘટના ના બને તેને લઇને ખાસ રણનીતિ પર ફોકસ કરાયું હતું.કોંગ્રેસમાં ચુપકે ચુપકે ટિકિટ ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવી હતી.જેમાં કેટલાંક ઉમેદવારોને મેન્ડેટ આપવાનાં શરૂ થઇ ગયા હતા.કોંગ્રેસ કાર્યાલય પર હોબાળો ન થાય તે માટે રણનીતિનાં ભાગરૂપે ઉમેદવારોનાં નામની પણ ગઇકાલ સુધી કોઇ જાહેરાત કરાઇ નહોતી.ફોન કરી સીધા જ ઉમેદવારોને કાર્યાલય બોલાવી મેન્ડેટની પ્રક્રિયા કરવામાં આવી હતી.
21મી ફેબ્રુઆરીએ ખરાખરીનો જંગ

ચૂંટણીપંચ દ્વારા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી છે તો ફોર્મ પરત ખેંચવાની તારીખ 9 ફેબ્રુઆરી નક્કી કરાઇ છે.આગામી 21મી ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે.જેમાં ઉમેદવારો પર સ્થાનિકો પસંદગીની મહોર મારશે. આ સાથે જ 23મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે જેમાં રાજ્યની છ મહાનગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થશે.
