ભાજપે ડઝનથી વધુ કિસ્સાઓમાં અગાઉ જાહેર કરેલા ક્રાઈટેરિયાને નેવે મૂક્યા હોવાની ઘટના, પક્ષપલ્ટુઓને ગણતરીના સમયમાં ટિકિટ અપાયાના બનાવો : ભાજપ-કોંગ્રેસ બન્નેમાં અસંતોષ તો છે જ..
ગુજરાતના ૬ મહાનગરોની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર થઈ ચૂકી છે. ભાજપે તેના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે તો કોંગ્રેસે પણ મહદ અંશે તમામ ઉમેદવારોનાં નામ જાહેર કર્યા બાદ બાકીના ઉમેદવારોને સીધા મેન્ડેટ મોકલી દેવાનું નક્કી કર્યું હતું. યાદીની જાહેરાત સાથે જ બન્ને પક્ષમાં કકળાટ છે તેવું ચિત્ર ઉપસ્યુ છે. જો કે ઉમદેવારોની પસંદગી થાય ત્યારે કકળાટ થવાની વાત કોઈપણ પક્ષ માટે નવી નથી તેમાંય ખાસ કરીને જે મુખ્યપક્ષ હોય તેમાં તો કકળાટ ન થાય તો જ સૌને આશ્ચર્ય થાય. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ઉમેદવારોનો જે ક્રાઈટેરિયા જાહેર કરેલો ત્યારે જ પક્ષમાં નારાજગીનો સૂર ઉઠ્યો હતો. જો કે તમામ ૫૭૬ ઉમેદવારોના નામો જાહેર થયા પછી તેવું ચિત્ર ઉપસ્યુ છે કે એક ડઝનથી વધુ બનાવોમાં આ ગાઈડલાઈન કે ક્રાઈટેરિયાનું પાલન થયું ન હોવાની વાત ઉડીને આંખે વળગી રહી છે. અમુક સ્થળે જે તે વોર્ડ બહારના ઉમેદવારોને મૂકવા પડ્યા છે જેના કારણે સ્થાનિક કાર્યકરોને વિરોધનાં શુર સાથે મેદાનમાં ઉતરવું પડ્યું છે.

ડેમેજ કંટ્રોલ માટે દોડવું પડ્યું
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે છ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપતા પહેલા એવી જાહેરાત કરી હતી કે ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા અને સતત ત્રણ વખત ચૂંટાયેલા આગેવાનોને ટિકિટ નહિ મળે. કોઈ ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્ય કે તેના કોઈ સગાને ટિકિટ અપાશે નહિં. સંગઠનના મહત્વનો હોદ્દો ધરાવનારાને ટિકિટ નહિં મળે અને કોઈ કિસ્સામાં ટિકિટની ફાળવણી થશે તો તે ઉમેદવારે પોતાનો સંગઠનનો હોદ્દો છોડી દેવો પડશે. બાકી તો રામજન્મભૂમિ મંદિર માટે કેટલો ફાળો આપ્યો તે વાત પણ ઉમેદવારોને પોતાના માટે ટિકિટ માગતી અરજીમાં દર્શાવાયું હતું. અંતે ગુરૂવારે ભાજપના તમામ છ નગરપાલિકાના ઉમેદવારોને લિસ્ટ જાહેર થયું. હવે આ ૬ મહાનગરો પૈકી અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અને જામનગરમાં તો ઉમેદવારોની પસંદગી સામેનો વિરોધ કાર્યકરોએ જાહેરમાં આવીને વ્યક્ત કર્યો છે અને તેના પડઘા અને પડછંદા પડઘા પડ્યા છે કે, મોવડીઓને ડેમેજ કંટ્રોલ માટે દોડવું પડ્યું છે. આ એક ચિત્ર છે તેમ કહી શકાય હવે મોટા ભાગના કિસ્સાઓમાં ભાજપના સંસદીય બોર્ડે તેના ક્રાઈટેરિયાનું પાલન કર્યું છે.
રાજકારણ / શંકરસિંહનાં U-ટર્નની વાતો વચ્ચે આ સત્ય છે કે, ગુજરાતમાં કોંગ્રેસને ‘આયાતી’ નેતાઓ બહું ફળ્યા નથી
વગદાર નારાજો કેન્દ્ર સુધી પણ પહોંચ્યા
વડોદરા જિલ્લાના વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રને કે ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાને પુત્રને વડોદરા મહાનગરપાલિકા ની ટિકિટ ભાજપે આપી નથી. તેના કારણે આ બન્ને ધારાસભ્યો નારાજ થયા છે. તે પૈકી મધુ શ્રીવાસ્તવે તો જાહેરમાં નારાજગી દર્શાવીને કહ્યું છે કે, ગુજરાતમાં ઘણી પાર્ટીઓ છે. આમ તેમણે તો મોવડી મંડળને એક પ્રકારની ચેતવણી પણ આપી દીધી છે. તેણે તો આ અંગે કેન્દ્રમાં પોતાના ટેકેદાર ગણાતા મોવડીઓનો સંપર્ક પણ સાધી લીધો છે. બીજા બે ત્રણ સ્થળે પણ ભાજપે પોતાના હાલના કે પૂર્વ ધારાસભ્યોની પોતાના સગાને ટિકિટ આપવાની ભલામણ સ્વીકારી નથી.
અમુક કિસ્સામાં નિયમો ન નડ્યા
જો કે ઘણા કિસ્સા એવા છે કે જ્યાં ભાજપના સંસદીય બોર્ડને છુટ પણ આપવી પડી છે. અમદાવાદમાં એક કિસ્સામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રને તો બીજામાં ભાજપના આગેવાનના ભત્રીજાને ટિકિટ આપવી પડી છે તો અન્ય એક કિસ્સામાં પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિને ટિકિટ આપવી પડી છે.
સુરત, રાજકોટ, વડોદરામાં ભલે ધારાસભ્યોના સગાઓને ટિકિટ ન અપાઈ હોય. પરંતુ કેટલાક પૂર્વ નગરસેવકોના પરિવારજનોને ભાજપના મોવડીઓએ નિરાશ કર્યા નથી. જો કે આ વિગતો ધીમે ધીમે બહાર આવી રહી છે. એક વાત નક્કી છે કે, ભાજપ એ વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો તેના આગેવાનો દાવો કરે છે. શીસ્તબધ્ધ સંગઠનનો દાવો કરે છે. કેન્દ્ર, રાજ્ય અને આ તમામ છ મહાનગરપાલિકાઓમાં ભાજપ સત્તા સ્થાને છે. તેથી તેમાં જીતની ગેરંટી છે. બીજી વાત એ છે કે, તમામ છ મહાનગરોમાં કોંગ્રેસ પહેલા જેવી મજબૂત નથી. તેથી ભાજપમાં ઉમદેવારોનો ઘસારો થાય અને તમામ ઉમેદવારને ટિકિટ આપી શકાય નહિં તે સમજી શકાય તેવી વાત છે. તેથી કકળાટ તો થવાનો અને તમામ મહાનગરોમાં ભાજપના કાર્યકરો અને કેટલાક હોદ્દેદારોએ પોતાના મહાનગર કાર્યાલયે જઈને વિરોધ દર્શાવ્યો છે, તે પણ એક હકિકત છે. ભૂતકાળમાં પણ વિરોધ થયો છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં વિરોધ થયો નથી.
ભાજપમાં યાદી બાદ તો કોંગ્રેસમા યાદી લીક થયા બાદ કકડાટ
ભાજપમાં તો સંપૂર્ણ યાદી જાહેર થયા બાદ કકળાટ શરૂ થયો છે. પરંતુ કોંગ્રેસે તો પ્રથમ યાદી જાહેર કરી ત્યાં જ કકળાટ શરૂ થયો છે. સંભવિત નામોની યાદી લીક થઈ ગઈ, ત્યાં જ દેખાવો અને ચેતવણીના દોર શરૂ થયા હતા. અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય અને મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વચ્ચેની ખેંચતાણ બહાર આવી છે. તેથી જ તો કોંગ્રેસના મોવડી મંડળે પસંદ થયેલા ઉમેદવારોને સીધા મેન્ડેટ મોકલી આપવાનું નક્કી કર્યું અને નામ છઠ્ઠીએ જાહેર કરવાનું વલણ અપનાવ્યું છે.
Election / જામનગરના રાજકારણમાં નવો વળાંક, પૂર્વ મેયર કરશન કરમુર હવે લડશે ‘આપ’ પાર્ટીમાંથી
નારાજ નેતા સાથે રહીને હરાવવાની પરંપરા નિભાવે તેવો ભય
રાજકીય નિરિક્ષકો કહે છે તે પ્રમાણે ભાજપે અસંતોષને ઠારવા ડેમેજ કંટ્રોલના પ્રયાસો શરૂ કર્યા છે. તેમાં કેટલા અને કેવા સફળ થશે તે તો સમય જ કહેશે. પરંતુ કોંગ્રેસમાં તો જતા હોય તેને જવાદેવાની સીસ્ટમ છે. હવે આ વખતે શું થાય છે તે જોવાનું રહે છે. જો કે કોંગ્રેસમાં રહીને પોતાના પક્ષના ઉમેદવારોને હરાવવાની બહુ જુની પ્રણાલિકા ચાલે છે. તેનું તો પાલન અવશ્ય થશે જ તેવું હાલના તબક્કે લાગે છે. હવે આવતા દિવસોમાં આ જોવાનું રહે છે.
આ બે શહેરોની યાદી રાજકીય વિશ્લેષકો માટે સૌથી વધુ ચર્ચાનો મુદ્દો
ભાજપના ઉમેદવારોની યાદીમાં રાજકીય વિશ્લેષકો માટે સૌથી વધુ ચર્ચાનો મુદ્દો અમદાવાદ અને ભાવનગરનો બન્યો છે. અમદાવાદમાં થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ઉમેદવારને ટિકિટ અપાઈ છે. તો ભાવનગરમાં તો એક મહિલા કોર્પોરેટરે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી, તેના બીજા દિવસે સવારે ભાજપમાં જોડયા અને બપોરે ૪ વાગ્યે તો ઉમેદવારની યાદીમાં તેનું નામ પણ આવી ગયું. રાજકીય વિશ્લેષકો કહે છે તે પ્રમાણે આ કોઈ ચોવીસ – છત્રીસ કે ૪૮ કલાકમાં બનેલી ઘટના નથી. આ બાબતમાં પહેલેથી જ રંધાઈ રહ્યું હતું.
NEW DELHI / કૃષિ કાયદામાં શું છે ‘કાળુ’, રાજ્યસભામાં વિપક્ષો પર વરસ્યા નરેન્દ્ર સિંહ તોમારે
દાવેદારોએ પક્ષપલ્ટો નહીંની બાહેંઘરી આપી પણ જીત પછી ?
જ્યારે કોંગ્રેસમાં ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલા રાજીનામાની ધમકી આપતા આવેદનપત્રોનો દોર શરૂ થયો, તે કોંગ્રેસમાં આવતા દિવસોમાં ઘણું થઈ શકે છે તેનો જીવંત પૂરાવો છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારીના દાવેદારો પાસે પક્ષપલ્ટો નહિ કરૂ તેવી બાહેંધરી લીધી છે. તમામે આપી પણ છે સારી વાત છે. પણ ચૂંટાયા બાદ હોદ્દો મેળવવા કોઈ કોંગ્રેસી પક્ષપલ્ટો નહિ જ કરે તેવી કોઈ ખાતરી આપી શકાતી નથી.
સગાવાદની મહદ અંશે નાબુદી પણ સંપૂર્ણ તો નહીં જ
સીઆર પાટીલે પ્રદેશ ભાજપનું પ્રમુખપદ સંભાળ્યું ત્યારે આયાતી આગેવાનો એટલે કે કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને આવેલા આગેવાનોને ટિકિટ નહિ મળે તેવી ત્રણ – ત્રણ વખત જાહેરાત કરી હતી છતાં પણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પક્ષાંતર કરનારા પાંચ આગેવાનોને કેન્દ્રીય મોવડી મંડળના દબાણ હેઠળ ટિકિટ આપવી પડી હતી. આજ પરંપરાનું બે થી ચાર કિસ્સાઓમાં મહાનગરોના ઉમેદવારોમાં અનુકરણ થયું છે અને જિલ્લામાં પણ નહિ થાય તેવી કોઈ ખાતરી મળી નથી. સગાવાદની નાબુદી મહદ અંશે કરાવામાં આવી હોય તેવું ભાજપની યાદીમાં જોવામાં આવ્યું પણ કોઇ સગા વહાલાને ટિકિટ નહીં જ મળે તે માટે લાગે છે થોડો સમયની રાહ જોવી પડે કારણ કે આ વખતે તો થોડુ નમતું આપવું જ પડ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
