Junagadh News : દિવાળી તહેવાર હવે પૂરા થતા વેકેશનમાંથી સોમવારથી સૌ કોઈ પરત કામે વળગશે. આ વેકેશન દરમિયાન જો તમે મનાલી કે માઉન્ટ આબુ ન જઈ શક્યા હોય તો જુનાગઢ પણ જઈ શકો છો. . અહીં ગિરનાર સાથે વાતો કરતા વાદળો અને સુસવાટા મારતા ઠંડા પવનો તમારી બધી જ કસર પૂરી કરી કોઈ સ્વર્ગમાં વિહરતા હોય એવો અહેસાસ કરાવશે એ નક્કી છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગિરનાર પર્વત પર વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ભારે પવન અને વરસાદી માહોલના કારણે રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના મીની વેકેશન પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ રોપવે મારફત ગિરનાર પર્વત પર આવતા હોય છે. આજે પણ પ્રવાસીઓએ મસ્ત મજાના વાતાવરણની ખૂબ મજા માણી છે.ગિરનાર પર્વત પર ખરાબ વાતાવરણ અને ભારે પવનની ગતિને કારણે રોપ-વે સંચાલક દ્વારા યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. પોર્ટલ ઑફિસ તરફથી મળેલી માહિતી અનુસાર, પવનની ગતિ ધીમી અને વાતાવરણ સ્વચ્છ થયા બાદ જ રોપ-વે સેવા ફરીથી કાર્યરત કરવામાં આવશે.
ગિરનાર પરથી આજે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ગિરનારના માતાજીના ગોખ ઉપરથી લેવાયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે અને વાતાવરણ એકદમ ઠંડું બની ગયું છે. યાત્રિકોની પાંખી હાજરી વચ્ચે અદ્ભુત નજારો જોવા મળ્યો હતો, જ્યાં જાણે વાદળો ગિરનાર પર્વત સાથે વાતો કરી રહ્યા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. આ અદભુત નજારો કેમેરામાં પણ કેદ થયો છે.ગિરનાર વાદળોથી એ રીતે ઢંકાયો હતો કે જાણે ગિરનાર વાદળો સાથે વાતો કરતો હોય તેવું લાગ્યું.
દર વર્ષે ચોમાસાના વરસાદી વાતાવરણમાં ગિરનાર પર અદભુત નજારો જોવા મળે છે. વરસાદ બાદ ગિરનાર પર્વત પર ચોતરફ લીલી હરિયાળી જોવા મળે છે. ત્યારે ગિરનાર પર્વત પર પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય જોઈ લોકો પણ ખૂબ આનંદિત થતા જોવા મળ્યા હતા. ગિરનાર પર્વત પરથી જે રીતે વાદળો પસાર થાય છે તે નયનરમ્ય નજારો જોઈને પ્રવાસીઓ અલૌકિક આનંદની અનુભૂતિ કરી રહ્યા હતા.
