Vadodara News : વડોદરામાં સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ વકર્યો છે. જેમાં આપના કાર્યકરોએ BJPના ભ્રષ્ટાચારની અંતિમ યાત્રા કાઢી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 7 જુલાઈથી શહેરના 31 સ્મશાનોનું સંચાલન અને નિભાવણી ત્રણ ખાનગી ટ્રસ્ટોને સોંપવાના નિર્ણય સામે સામાજિક કાર્યકરો અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધને વધુ વેગ આપતા, આજે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના ભ્રષ્ટાચારની પ્રતીકાત્મક ‘અંતિમયાત્રા’ કાઢવામાં આવી હતી અને લક્ષ્મીપુરા સ્મશાનમાં ‘ભ્રષ્ટાચારના અંતિમ સંસ્કાર’ કરવામાં આવ્યા હતા.
આ અંતિમયાત્રાએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત શહેરના 31 સ્મશાનોનું સંચાલન અને નિભાવણી અત્યાર સુધી કોર્પોરેશન અને જલારામ ટ્રસ્ટ જેવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હતું. જલારામ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ તો પાલિકા પાસેથી એક પણ રૂપિયો લીધા વિના આ સેવા પૂરી પાડી રહી હતી. તેમ છતાં, સ્મશાનોનું વધુ સારી રીતે સંચાલન અને નિભાવણી થાય તેવા દાવા સાથે કોર્પોરેશન દ્વારા ત્રણ ખાનગી ટ્રસ્ટોને 7 જુલાઈથી આ કામગીરી સોંપવામાં આવી રહી છે. આ નિર્ણય પાછળ કોર્પોરેશનને વાર્ષિક રૂપિયા 10 કરોડ જેટલો ખર્ચ થવાનો છે.
આ જ કારણે વડોદરાના સામાજિક કાર્યકરો તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષો દ્વારા તેનો પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે.આજે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ વિરેન રામી, મનીષ પરમાર સહિતના કાર્યકરો દ્વારા લક્ષ્મીપુરા ગામે આવેલા ગોરવા હરસિદ્ધિ માતાના મંદિર ખાતેથી ભાજપ દ્વારા માઝા મુકવામાં આવી રહેલા ભ્રષ્ટાચારની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. લક્ષ્મીપુરા-ગોરવા રોડ ઉપરથી નીકળેલી આ અંતિમયાત્રાએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. ‘શ્રી રામ જયરામ જય જય રામ’ ની કરુણ ધૂનો સાથે કાઢવામાં આવેલી આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ડાઘુઓરૂપી આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામીએ જણાવ્યું હતું કે, ‘ભાજપે પાણી, રસ્તા, ડ્રેનેજ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર કરવામાં માઝા મૂકી છે. જેમાં હવે સ્મશાનોને પણ બાકાત રાખ્યા નથી. સ્મશાનોના ખાનગીકરણનો અમે સખત વિરોધ કરીએ છીએ. વડોદરાના લક્ષ્મીપુરા સ્મશાનમાં વર્ષોથી લાકડાની સેવા સ્વ.અજીતભાઈ પરમાર તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે. ત્યારે કોર્પોરેશન દ્વારા નવો ફતવો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમામ સ્મશાનોને 7 તારીખ સુધી ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ 7 તારીખ પછી જે પણ વ્યક્તિ લક્ષ્મીપુરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે જશે તેના ખર્ચ પેટે કોર્પોરેશન દ્વારા રૂપિયા 7,000 ચૂકવવા પડશે. આ ખૂબ જ ખોટું કહેવાય. જ્યારે ટ્રસ્ટ દ્વારા મફતમાં સેવા આપે છે તો પછી કોન્ટ્રાક્ટ સિસ્ટમની જરૂર શું છે?’
આ પણ વાંચો:DGVCL પરીક્ષા અન્યાય અને સ્માર્ટમીટરના વિરોધમાં ચૈતર વસાવા-અનંત પટેલનો હલ્લાબોલ
આ પણ વાંચો:ચૈતર વસાવાનો બૂટલેગર સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ, ચૈતરે કરી સ્પષ્ટતા
આ પણ વાંચો:AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વધી મુશ્કેલીઓ, અંકલેશ્વર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
