શું ફરી એકવાર સિનેચાહકોને આકર્ષી શકાશે? કે OTTની આદત થિયેટર્સને ભારે પડશે?
એક મહામારીએ આપણી જીવવાની પદ્ધતિ બદલી નાખી છે. કોરોના પહેલા અને પછી ઘણું બધું સાવ બદલાઈ ગયું છે. સિનેમા જગત પણ તેમાંથી બાકાત નથી રહ્યું. જો કે હવે મલ્ટિપ્લેક્સ ફરીથી તૈયાર થઈ રહ્યાં છે. સંપૂર્ણ સુરક્ષા અને નવી વ્યવસ્થા સાથે મનોરંજનના એ જ દોરમાં લઈ જવા માટે.

- 11 માર્ચે રિલીઝ થઈ રહી છે રૂહી
- 19 માર્ચે રિલીઝ થશે સંદીપ ઔર પિંકી ફરાર
- માર્ચના અંતમાં ગોડઝિલા વર્સિસ કિંગકોંગ
સિનેમા જગત માટે આખોય કોરોના એપિસોડ અનેક બાબતો શિખવનારો રહ્યો. જો કે થિયેટર્સ માલિકોને સૌથી વધુ સમસ્યા નડી. અનેક થિયેટર્સ આ સમય દરમિયાન બંધ પણ થઈ ગયા. અનલોકમાં પણ થિયેટર્સ ખૂલી નહોતા રહ્યાં અને જે ખૂલ્યાં તેમાં પણ ફૂટફોલ મળી રહ્યાં નહોતાં. જો કે હવે તમામ મલ્ટિપ્લેક્સ ફરીથી કમર કસી રહ્યાં છે. અને એક સાથે 11મી માર્ચથી બધી જ નિરાશા ખંખેરીને ફૂલફ્લેજ મૂવીઝ લાવી રહ્યાં છે. 11 માર્ચે બહુ લાંબા સમયથી ચર્ચામાં છે તેવી રાજકુમાર રાવ અને જ્હાન્વીની મૂવી રૂહી આવી રહી છે. જે તમામ મલ્ટિપ્લેક્સ એક સાથે રિલીઝ કરશે. આ સાથે જ 19મી માર્ચે સંદીપ ઔર પિંકી ફરાર અને માર્ચના અંતે બાળકો જેની રાહ જોઈ રહ્યાં છે તે ગોડઝિલા વર્સિસ કિંગકોંગ પણ આવી રહી છે. આ ઉપરાંત એપ્રિલના પ્રારંભે જ જેની બહુ રાહ જોવાઈ રહી છે તેવી સૂર્યવંશી પણ રિલીઝ થવાની છે.

- ફૂટફોલ્સ લાવવા હશે વિવિધ ઓફર્સ
- નવી વ્યવસ્થા સાથે મલ્ટિપ્લેક્સ છે તૈયાર
- શું ફરી એકવાર સિનેચાહકોને આકર્ષી શકાશે?
- કે OTTની આદત થિયેટર્સને ભારે પડશે?
માનવામાં આવી રહ્યું છે કે ઘણાં ખરા થિયેટર્સ સમયને જોતા કેટલીક ઓફર્સ લાવીને દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી લાવવા પ્રયાસ કરશે. બદલાયેલા દોરમાં નવી વ્યવસ્થા સાથે મલ્ટિપ્લેક્સ તૈયાર પણ છે. સેનિટાઈઝેશન અને ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને બેઠક વ્યવસ્થા સેટ કરાઈ છે. પણ આ બધી બાબતો છતાં શું મલ્ટિ પ્લેક્સ સુધી દર્શકો પહોંચશે ખરા? કે પછી ઘરે બેઠા જ OTT પર મૂવી જોવાની આદત થિયેટર્સને ભારે પડશે? એ વાત સાચી કે મોબાઈલમાં જ બધુ મનોરંજન મળવા માંડ્યું છે ત્યારે મલ્ટિપ્લેક્સ માટે કપરા ચઢાણ છે. પણ સિનેમાહોલના વિશાળ પરદા પર મૂવી જોવાની મજા જ કંઈક ઓર છે. મલ્ટિપ્લેક્સ કરોડોનો ખર્ચ કરી આપણને એ મનોરંજન ઉપલબ્ધ કરાવે છે ત્યારે મેગા પરદા પર ચોક્કસથી મનોરંજન માણવું જ જોઈએ
