ભારત દેશની સંસ્કૃતિ છે કે દીકરીના લગ્ન એના માતા પિતા માટે બહુ મહત્વ ધરાવે છે. નસીબદાર છે એ માં બાપ જેમને દીકરીનું કન્યાદાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ ‘દાન’ શબ્દનો અર્થ શું? દાન એટલે એવી વસ્તુઓ જે એક વ્યક્તિ નિઃસ્વાર્થ વૃતિથી કોઈને અર્પણ કરે છે. તો શું દીકરીને લગ્ન કરીને બીજાના ઘરમાં મોકલવી એને દાન કહેવાય એ યોગ્ય છે? કન્યાનું દાન કર્યાં બાદ શું માં બાપનો એના ઉપરથી હક છીનવાઈ જાય છે? જે દીકરીના જન્મ પર એક બાપે હરખમાં આખા શહેરમાં મીઠાઈ વહેંચી હોય એ જ દીકરીને લગ્ન પછી પારકી કરી દેવામાં આવે તો એ બાપના હ્રદય પર શું વીતતી હશે? દીકરીના લગ્ન કરાવી એના સુખી જીવનની પ્રાર્થના કરતાં માં બાપને એ જ દીકરી ઉપર થઈ રહ્યા અત્યાચારો અને અન્યાયોના ખિલાફ અવાજ ઉઠાવવાનો હક કેમ નહીં?

જ્યાં સુધી દીકરી માતાપિતાના સાનિધ્યમાં હોય છે, ત્યાં સુધી એણે જીવનમાં ફક્ત સુખનો જ અનુભવ કર્યો છે. પરંતુ જ્યારે એ સાનિધ્ય હટી જાય ત્યારે જ એને દુનિયાદારીની સમજ અને વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત થાય. એને દરેક દુઃખથી દૂર રાખતી એની માં ઉપર જવાબદારી આવી જાય કે એને દુનિયાની વિવિધ પરિસ્થિતિઓથી અવગત કરાવે અને એને સજાગ કરે કે સ્ત્રી નિર્બળ નહીં શક્તિશાળી છે, એક સ્ત્રી હોવું એ શરમ નહીં, ગર્વની વાત છે અને સ્ત્રી ઘરમાં સજાવટની વસ્તુ નહીં, ઘરનો અભિન્ન અંગ છે જેના વિના ઘર ઘર નહીં, ફક્ત એક ઈંટ પથ્થરનું મકાન છે.

એક દીકરી જ્યારે પોતાનું ઘર છોડીને એક નવા ઘર, નવા પરિવારમાં જાય છે ત્યારે એની માં એને ઘણી બધી સીખ આપે છે. એક માં પોતે વેઠેલા દુઃખ અને સંઘર્ષોને ધ્યાનમાં રાખીને દીકરીને સમઝાવે છે કે એક સ્ત્રીએ હંમેશા સહનશક્તિ રાખવી જ પડે. પરંતુ હવે એ જ માં એ શીખવવું જોઈએ કે પોતાની સાથે ખોટું વર્તન સહન ન કરાય, એની સામે લડી શકે એટલી શક્તિ પણ એ દીકરીમાં સ્થાપિત કરવી જોઈએ. જ્યારે ઘરમાં ચુલ્હો બળે ત્યારે એમાં રોટલી જ શેકાય, એ આગ જ્યારે પોતાના સમ્માન પર લાગે ત્યારે એને બુઝાવવા માટેની હિમ્મત આપણાં ભારતની દીકરીમાં હોવી જ જોઈએ.

આપણું સમાજ બાહ્ય દેખાવને જ એક સ્ત્રીની ઓળખ સમઝવાની ભૂલ કરતું આવ્યું છે. એક માં જ્યારે પોતાના હૃદયના અંશને બીજા કોઈને સોંપે છે ત્યારે એને સમજાવે છે કે બાહ્ય સુંદરતાથી અભિભૂત ન થઈને મનની સુંદરતા પર ધ્યાન આપવાથી જ પરિવાર જનોનો પ્રેમ અને માન જીવનભર ટકી રહે છે. જે પ્રેમ ફક્ત શારીરિક સુંદરતાના આધારે જન્મે છે એ ઉંમર સાથે નાશ પામે જ છે. વસ્ત્ર અને આભૂષણ એક સ્ત્રીના દેખાવમાં વૃત્તિ કરવા માટે છે, એને સમાજની નીચલી વિચારધારામાં બાંધી રાખવા માટે નહીં. જ્યારે એક માં પોતાની દીકરીને આ વાત સમજાવવામાં સફળ થઈ જશે, ત્યારે આ દેશની દીકરીઓ સાચા અર્થમાં એક સુખી જીવન જીવી શકશે.
લગ્ન પહેલાનું ઘર પિયર અને લગ્ન પછીનું ઘર સાસરું, તો સ્ત્રીનું પોતાનું ઘર કયું? એક સ્ત્રીનો કયા ઘર પર અધિકાર કહેવાય? એટલે હવે કદાચ સમય આવી ગયો છે કે દીકરીને લગ્ન પછી બીજાને સોંપવાની વિધિને કન્યાદાન કહીને માતાપિતાને એ કન્યા પરથી હક ખોવી દેવાથી રોકવું જોઈએ. માં બાપ કન્યાનું દાન નથી કરતાં, પોતાના જીવનભરની પુંજી બીજા કોઈને ખુશી ખુશી અર્પિત કરે છે. એટલે જેટલો અધિકાર માતાપિતાનો એમના દીકરા પર હોય છે, એટલો જ અધિકાર દીકરી પર પણ હોવો જોઈએ. એક દીકરો કમાઈને ફક્ત એક ઘર ચલાવે છે જ્યારે દીકરી એક ઘરને રોશન કરીને બીજા ઘરને સમૃદ્ધિ તરફ લઈ જાય છે. એ દીકરી એક સુખી જીવન જીવી શકે એ આપણી જ જવાબદારી છે, ખરું ને ?
