પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના બંગાળ પ્રવાસે છે. કોરોના કાળમાં પીએમ મોદીની આ પહેલી વિદેશ યાત્રા છે. બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. જશ્નના આ પ્રસંગે પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે બાંગ્લાદેશ પહોંચ્યા છે.
દરમિયાન ઢાકામાં આયોજિત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે બાંગ્લાદેશની આઝાદી માટે સંઘર્ષમાં સામેલ થવું મારા જીવનના પહેલા આંદોલનોમાંનું એક હતું. મારી ઉંમર 20-22 વર્ષની હશે જ્યારે મેં અને મારા અનેક સાથીઓએ બાંગ્લાદેશના લોકોની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો.

શેખ મુજીબુર રહેમાનને મરણોપરાંત ગાંધી શાંતિ પુરસ્કાર
PM નરેન્દ્ર મોદીએ શેખ મુજીબુર રહેમાનને મરણોપરાંત ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા. તેમણે પીએમ શેખ હસીનાને આ પુરસ્કાર આપતા શેખ મુજીબુર રહેમાનને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે બન્ને દેશોના સંબંધો મજબૂત થઇ રહ્યા છે. મને આ સન્માન આપતા ઘણો જ આનંદ થઇ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ, પ્રધાનમંત્રી શેખ હસીના અને બાંગ્લાદેશના નાગરિકોનો હું આભાર માનું છું. તમે તમારા આ ગૌરવશાળી ક્ષણોમાં, આ ઉત્સવમાં ભાગીદાર બનવા માટે ભારતને સપ્રેમ નિમંત્રણ આપ્યું. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું બધા ભારતવાસીઓ તરફથી બૉંગબંધુ શેખ મુજીબુર રહેમાનને શ્રદ્ધાંજલી આપું છું. જેમણે બાંગ્લાદેશ અને અહીંના લોકો માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું.
ભારતીય સૈનિકોને કર્યા યાદ
ભાષણ દરમિયાન પીએમએ ભારતીય સૈનિકોને પણ યાદ કર્યા જેમણે બાંગ્લાદેશની આઝાદી માટે લોહી વહાવ્યું હતું. તેમણે કહ્યું કે આ બન્ને તરફના સૈનિકોનું લોહી બાંગ્લાદેશમાં ભળ્યું છે અને આ લોહી બન્ને દેશોના સંબંધોને એટલા મજબૂત બનાવે છે કે કોઇ પણ સ્થિતિમા તૂટી નહીં શકે.
