રાજકોટમાં કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલમાં આગજનીની ઘટનાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.અગાઉ શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા કોરોનાના 6 દર્દીઓ ભડથુ થઇ ગયા હતા. જેમાં જવાબદાર પાંચ ડોક્ટરની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી. બાદમાં આ તમામનો જામીન પર છૂટકારો થયો હતો. આગની તપાસ માટે સીટની પણ રચના પણ કરવામાં આવી હતી. પરંતુ આગ ક્યાં કારણોસર લાગી હતી તે હજી સુધી જાણી શકાયું નથી.ત્યાં આજે ફરી રાજકોટ સિવિલ હોસ્પિટલના વોર્ડમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.જેના પગલે દર્દીઓમાં ભારે દેકારો મચી ગયો હતો પરંતુ સમય સૂચકતાના કારણે મોટી મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાની થઈ ન હતી.જો કે આવી ઘટના સિવિલ હોસ્પિટલમાં પણ પ્રથમ વખત ઘટી નથી આ અગાઉ પણ એક વખત આવી દુર્ઘટના થતાં અટકી હતી.
![]()
આ અંગે સિવિલ હોસ્પિટલનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ નં.11માં વાયરિંગમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. જોકે સિક્યુરિટી ટીમની સમયસૂચકતાને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં રહેલા ફાયરક સેફ્ટીના સાધનો વડે સિક્યુરિટીની ટીમે આગ બૂઝાવી હતી. થોડીવાર તો દર્દીઓ અને સગાઓના જીવ તાળવે ચોટી ગયા હતા. આ વોર્ડમાં કોવિડના 27 દર્દીઓ દાખલ હતા. જોકે આ તમામને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
![]()
આ અંગે પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં આવેલા કોવિડ સેન્ટરમાં પાંચેય માળ દર્દીઓથી હાઉસફુલ હોય હોસ્પિટલના બીજા વિભાગોના વોર્ડને પણ કોવિડ વોર્ડમાં તબદીલ કરવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં. 11 કે જે માનસિક વિભાગના વોર્ડની સામે આવેલો છે. તેમાં સવારે એકાએક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડતાં અહિ દાખલ કોરોનાના 27 જેટલા દર્દીઓમાં અને ફરજ પરના સ્ટાફમાં દેકારો મચી ગયો હતો. પરંતુ સિક્યુરિટી ટીમે ફાયર સેફ્ટીના સાધનોથી આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી. ગભરાયેલા દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

