હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે કે, આગામી 18 તારીખે રાજ્યના સમુદ્ર કિનારે પહોંચશે.દક્ષિણ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ પર હાલ લો પ્રેશર સર્જાયું છે અને તેજ જગ્યા પર ડિપ્રેશન પણ જોવા મળ્યું છે.સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વાતાવરણમાં પણ બદલાવ જોવા મળ્યો હતો. સાથો-સાથ 30 થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

હવામાન વિભાગે ચેતવણી અહેવાલમાં જણાવ્યું છે કે તે શનિવારની સવાર સુધીમાં તે જ વિસ્તારમાં દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ 24 કલાકમાં ચક્રવાત તોફાનનું સ્વરૂપ લેશે.ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ ગુજરાત અને પાકિસ્તાની દરિયાકાંઠે આગળ વધવાની સંભાવના છે. ગુરુવારના રોજ શહેરનું મહત્તમ તાપમાન યથાવત્ 40 ડિગ્રીને પાર જોવા મળ્યું હતું અને 40.7 ડિગ્રી નોંધાયું હતું. સતત બદલાવના પગલે 18 તારીખ સુધી હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળશે.

બીજી તરફ શહેરનું ન્યુનતમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું હતું અને હવામાં ભેજનું પ્રમાણ પણ સતત વધ-ઘટ થઇ રહ્યું છે અને સવારના સમયે 67 ટકા અને સાંજના 26 ટકા ભેજનું પ્રમાણ હવામાં જોવા મળ્યું હતું. ત્યારે હવાની ગતિમાં પણ બદલાવ આવ્યો હતો અને સવારના 20 કિલોમીટર પ્રતિકલાક અને સાંજના 18 કિલોમીટર પ્રતિકલાક નોંધાયું હતું. સાથો-સાથ લોકોને આખો દિવસ બફારો પણ થતો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવેલી છે, તેને જોતા આગામી 2 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેર નહિ પડે જેથી મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાઈ શકે છે, પરંતુ સાંજના સમયે ઠંડા પવનની પણ અનુભૂતિ લોકો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ બપોરના સમયે ગરમીની અનુભૂતિ પણ લોકો દ્વારા કરવામાં આવી હતી.

