૨૦૧૯ની લોકસભાની ચૂંટણી બાદ યોજાયેલી પેટા ચૂંટણી અને સ્થાનિક ચૂંટણીના પરિણામો તેમજ કોરોના સામેના જંગમાં ગોકળગાયની ગતિ સહિતના બનાવો ભાજપ માટે પડકારરૂપ સ્થિતિ સર્જે તેવો ભય
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
દિલ્હીના સિંહાસન માટે સત્તાની સીડી મનાતા અને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં હાલ જે કાંઈ ચાલી રહ્યું છે અથવા તો ૨૦૧૯ બાદ ત્યાં જે કાંઈ પ્રકારના બનાવો બન્યા છે તેના કારણે ભાજપ માટે તો ચિંતા અને પડકાર સમાન છે જ પણ સાથોસાથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ચિંતા વ્યક્ત કરી છે અને સંઘના વરિષ્ઠ નેતાએ યુપીમાં તાજેતરમાં કોરોના સામેના પગલાં અને તેની સાથે ગંગા નદીમાં જે રીતે મૃતદેહો મળી આવવાના બનાવો બન્યા તેના કારણે સૌના મનમાં ચિંતાની લાગણી ઉભી કરી દીધી છે તેમ જણાવી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા, ઉત્તરપ્રદેશમાં ભાજપની સ્થિતિ અત્યંત મજબૂત બનાવવામાં જેની ભૂમિકા હતી તે ગૃહમંત્રી અમીત શાહનું ધ્યાન દોર્યું છે અને ત્યાં સ્થિતિ સુધારવા જે કાંઈ પગલાં ભરવા પડે તે માટે તાકીદ કરી છે. સંઘના વરિષ્ઠ નેતાનો આડકતરો ઈશારો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કાર્યશૈલી સામે છે. સંઘના અન્ય એક નેતાએ તો એવી ચેતવણી પણ આપી દીધી છે કે જાે આ બાબતમાં તસ્કર સુધારાની કામગીરી નહિ થાય તો ભાજપને સહ કરવાનો વારો આવશે. ટૂંકમાં સંઘના કેટલાક વરિષ્ઠ નેતાઓએ જરૂર પડે યુ.પી.માં નેતૃત્વ પરિવર્તન માટે આડકતરો સંકેત આપી દીધો છે.

યુપીના રાજકીય વિશ્લેષકોએ તો જણાવ્યું છે કેયોગી આદિત્યનાથની સત્તાનો પ્રારંભિક કાળ ઘણો સારો હતો પરંતુ ત્યારબાદ ત્યાં સ્થિતિ સંતોષકારક નથી. રાષ્ટ્રીય નેતા કેસ્ટાર પ્રચારક બનવાના યોગીના ખ્વાબના કારણે તેઓ ઉત્તરપ્રદેશમાં બરાબર ધ્યાન આપી શકતા નથી તેવી ખૂદ ભાજપના જ ઘણા ધારાસભ્યોની છાપ છે. હાથરસ બળાત્કાર હત્યા પ્રકરણને ચાવરવાનો જે પ્રયાસ કર્યો તેના કારણે ત્યાં યોગી આદિત્યનાથ તો ઠીક પણ ભાજપની છબી ખરડાઈ છે. ભલે બળાત્કારના બનાવોમાં રાજસ્થાન પ્રથમ નંબરે હોય પરંતુ બળાત્કાર કમ હત્યાના બનાવમાં તો ઉત્તરપ્રદેશ જ મોખરે છે. જ્યારે ત્યાં ભલે કોમી અથડામણ થઈ નથી તે સારી વાત છે પણ સત્તાધારી પક્ષ દ્વારા થતાં ઉશ્કેરણીજનક વિધાનો હવે ભાજપના ઘણા નિષ્ઠાવાનોને પણ ગમતા નથી.
![]()
૨૦૧૭માં યુપી વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ પેટાચૂંટણી યોજાઈ ત્યારે યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી બનવા જે સંસદીય બેઠક ખાલી કરી હતી ત્યાં મહાગઠબંધનનો ઉમેદવાર જીત્યો હતો. અન્ય બે નાયબ મુખ્યમંત્રીઓ શર્મા અને મૌર્ય પણ પોતાની બેઠક જાળવી શક્યા નહોતા. ભલે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુ બેઠકો મળી પણ તે ૨૦૧૪ કરતાં ઓછી જ હતી અને ચાર બેઠકોના ઉમેદવારો પણ ભાજપને પેટાચૂંટણીમાં હરાવનારા કે ભાજપ સામે પ્રકાર કરનારા હતા તે પણ હતા. ભોજપુરી ફિલ્મના અભિનેતા રાજકીશનની વ્યક્તિગત લોકપ્રિયતાને કારણે આ બેઠક જળવાઈ છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભલે કોંગ્રેસને એકમાત્ર રાયબરેલીની બેઠક મળી હોય પણ ૨૦૧૪માં ખાતું પણ ન ખોલાવી શકનાર માયાવતીના પક્ષ બસપાને મળેલી બેઠકો ચિંતાજનક ઘટના તો હતી જ. ત્યારબાદ વિધાન પરિષદની જે ચૂંટણી ૨૦૨૦માં યોજાઈ તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મતવિસ્તાર વારાણસીમાં ભાજપને સ્નાતક અને શિક્ષક મત વિસ્તારની બેઠકો ગુમાવવી પડી હતી જ્યારે તે પહેલા લખનૌની સ્થાનિક ચૂંટણીઓમાં પણ ભાજપને આંચકો લાગે તેવા પરિણામો આવ્યા હતા.

કોરોના વકરી રહ્યો હતો ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બંગાળ સહિતના ચાર રાજ્યોમાં ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત હતા અને રાજકીય વિશ્લેષકો નોંધે છે તે પ્રમાણે યુ.પી.નો વહીવટ નાયબ મુક્યમંત્રીઓ કે અધિકારીઓના હવાલે છોડી દીધો હતો. આ બદા વચ્ચે તેમણે અલ્હાબાદ હાઈકોર્ટની ટકોર છતાં ઉત્તરપ્રદેશમાં સ્થાનિક ચૂંટણી યોજવાની જીદ પણ ચાલુ રાખી હતી. આ સ્થાનિક ચૂંટણી ત્યાં યોજાઈ ગઈ. રાજકીય વિશ્લેષકો અને ખુદ ભાજપના નેતાઓ જેને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમિ ફાઈનલ કહેતા હતા તેમાં ભાજપને આંચકો આપે તેવા પરિણામો આવ્યા છે. અખિલેશ યાદવની આગેવાની હેઠળની સમાજવાદી પક્ષે ત્યાં બાજી મારી છે. જેમાં પાટનગર લખનૌ, મુક્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુર તેમજ ખુદ વડાપ્રદાન નરેન્દ્રભાઈ મોદીના મત વિસ્તાર વારાણસીની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો છે. આ કાંઈ જેવી તેવી વાત તો હરગીઝ નથી. સ્થાનિક પરિણામો બાદ જે રાજકીય વિશ્લેષણ બહાર આવ્યું છે તે પ્રમાણે વિધાનસભાની ઓછામાં ઓછી ૧૨ બેઠકો સપા ભાજપ પાસેથી આંચકી શકે તેવી સ્થિતિ છે. જાે આ પ્રમાણે પરિણામ આવે તો યુ.પી.માં ભાજપને સત્તા ગુમાવવી પડે તેવી હાલત છે. ૨૦૧૯માં પણ મત પ્રમાણે જાેઈએ તો ભાજપે જે ૬૨ થી વધુ બેઠક પર વિજય મેળવ્યો હતો તે પૈકી ૩૪ બેઠકો એવી હતી જ્યાં તેનો વિજય વિપક્ષી એકતાના અભાવના કારણે થયો હતો. આ વાત નોંધવી જ પડે તેમ છે.

જ્યારે વારાણસીમાં બે યુનિવર્સિટીઓની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની વિદ્યાર્થી પાંખ ગણાતી એ.બી.વી.પી.ને જે આંચકો લાગ્યો અને ત્યાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. જીતી ગઈ તે બાબત પણ ભાજપ માટે ચિંતાનો વિષય બનવો જાેઈએ. તેમ સંઘ અને ભાજપના કેટલાક નેતાઓ માને છે. નરેન્દ્રભાઈ મોદીના કારણે ભાજપ તરફ આકર્ષાયેલા યુવા મતદારો ભાજપથી મોઢું ફેરવી રહ્યા છે તેવું ગણિત પણ માંડી શકાય.

જ્યારે કોરોનાકાળમાં અત્યારે યુ.પી. હોટસ્પોટ જેવું બની ગયું છે અને સ્થાનિક ચૂંટણી અને તેના પરિણામમો સમયે પણ ત્યાં સોશ્યલ ડિસ્ટન્સના છડેચોક ધજાગરા ઉડ્યા હોવાના બનાવો બન્યાના અહેવાલો છે અને ટીવી ચેનલો પર તેની તસ્વીરો વાયરલ થઈ છે તે જાેતા ત્યાં કોરોનાનું સંક્રમણ ન વધે તો બીજું શું થાય ? તેવો પ્રશ્ન પૂછવાનો સૌને અધિકાર છે. ઉત્તરપ્રદેશ સરકારે કોરોના સામેના અમુક કડક પગલાં તો કોર્ટની ટકોર બાદ ભર્યા છે તે જગજાહેર થઈ ચૂક્યું છે.

કેન્દ્ર સરકાર ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ પ્રત્યે દરેક બાબતમાં ઉદાર છે. સારો સહયોગ પણ આપ્યો છે. આ કાંઈ જેવી તેવી વાત તો હરગીઝ નથી. આમ છતાં કોરોના ધારણા મુજબ કાબુમાં આવ્યો નથી. અધુરામાં પુરૂ હોય તેમ ગંગા નદીમાં તરતા મૃતદેહો મળવાના બનાવે તો સૌને ચિંતામાં મૂકી દીધા છે. યુ.પી.નું તંત્ર આ બાબતમાં કેટલું બેદરકાર રહ્યું અથવા તો કેટલું ગાફેલ રહ્યું તેનો આ પૂરાવો છે. આ બધી બાબતો યુ.પી.મા યોગી સરકારની નિષ્ફળતાનો પુરાવો છે તેવો વિપક્ષ આક્ષેપ કરે તો તે સાવ ખોટો તો નથી જ તેમ કહ્યા વગર ચાલશે નહિ.
