ફાયર સેફટી/ વડોદરામાં ફાયર એનઓસી મામલે 125 કોવિડ હોસ્પિટલની પરવાનગી રદ

ફાયર એનઓસી મામલે 125ની મંજૂરી રદ કરવામાં આવી

Gujarat

ગુજરાત હાઇકોર્ટના ફાયર સેફ્ટીના મામલે કડક વલણ આપનાવતાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા વડોદરામાં ફાયર એનઓસી નહીં ધરાવનારી હોસ્પિટલોની પરવાનગી તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. જેમની સામે પગલાં ભરવામાં આવ્યા હશે, તેવી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે દાખલ કરી શકાશે નહીં અને હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સારવાર પૂર્ણ કરીને ડિસ્ચાર્જ કરવા માટેનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વડોદરાની હદમાં ફાયર એનઓસી નહીં ધરાવતી 125 કોવિડ હોસ્પિટલની પરવાનગી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.હવે પછી આ હોસ્પિટલમાં કોરોના ના નવા દર્દીઓને દાખલ કરી શકાશે નહીં.હાલમાં આવી એનઓસી વિનાની હોસ્પિટલોમાં દર્દીઓ દાખલ થયેલા છે. તેઓની સારવાર પૂરી કરીને ડિસ્ચાર્જ આપવાની સૂચના વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે.આ હોસ્પિટલો જો બાદમાં એનઓસી મેળવી લે તો નવેસરથી પરવાનગી અપાશે. વડોદરા મહાનગર પાલિકાની હદમાં કોવિડની 221 હોસ્પિટલ છે.જેમાંથી 96 પાસે એનઓસી છે અને 125 પાસે નથી.જ્યારે 32 હોસ્પિટલ પાલિકાની હદ બહાર આવેલી છે.હાઈકોર્ટના હુકમને અનુલક્ષીને કોરોના દર્દીઓની સારવાર કરી રહેલી હોસ્પિટલને ફાયર એનઓસી મેળવી લેવા હાઇકોર્ટના હુકમ બાદ તમામ હોસ્પિટલને સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ફાયર એનઓસી મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ હોસ્પિટલો માટે ફાયર એનઓસી મેળવી લેવા કેમ્પનું પણ આયોજન કર્યું છે.