Amreli News/ અમરેલીના ખાંભામાં નકલી દૂધનું રેકેટ ઝડપાયું, તેલ અને પાવડરના મિશ્રણથી બનતું હતું ‘સફેદ ઝેર’

Amreliના ખાંભા તાલુકામાં નકલી દૂધ બનાવવાનું રેકેટ પકડાયું. વનસ્પતિ તેલ અને પાવડરના મિશ્રણથી દૂધ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હતા.

Top Stories Gujarat Others
Amreli Fake Milk Scam New

Amreli Fake Milk Scam New: અમરેલી જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા તત્વો સામે ફૂડ વિભાગ અને પોલીસે લાલ આંખ કરી છે. ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામે રહેણાક મકાનોમાં ધમધમતા નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ અને કેમિકલયુક્ત પાવડરનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.

Amreli : બે મકાનોમાં ફૂડ વિભાગ ત્રાટક્યું

ખાંભા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલી બાતમીના આધારે ઈંગોરાળા ગામના બે મકાનોમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા પાડવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ દરોડા દરમિયાન સ્થળ પરથી 220 લિટર તૈયાર નકલી દૂધ, 200 કિલોથી વધુ દૂધ બનાવવાનો શંકાસ્પદ પાવડર અને વનસ્પતિ તેલના ડબ્બા મળી આવ્યા હતા. લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે ફૂડ વિભાગે તત્કાલિક કાર્યવાહી કરતા આ શંકાસ્પદ નકલી દૂધના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

તેલ અને પાવડરનું જીવલેણ મિશ્રણ

તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સો પાવડર અને વનસ્પતિ તેલના મિશ્રણથી આબેહૂબ દૂધ જેવું જ પ્રવાહી તૈયાર કરતા હતા. આ નકલી દૂધ ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને તેમાં કયા હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ થતો હતો, તે જાણવા માટે નમૂનાઓ લઈને એફએસએલ (FSL) માં મોકલી આપવામાં આવ્યા છે.

દૂધના વિક્રેતાઓમાં ફફડાટ

ખાંભા પોલીસે આ મામલે હાલ જાણવાજોગ ફરિયાદ નોંધી છે. રહેણાક મકાનમાં ચાલતા આ ગોરખધંધાના પર્દાફાશ બાદ પંથકના અન્ય દૂધ વિક્રેતાઓ અને ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, એફએસએલ રિપોર્ટમાં દૂધ હાનિકારક સાબિત થશે તો સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાએ ફરી એકવાર બજારમાં મળતા ખુલ્લા દૂધની શુદ્ધતા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.


આ પણ વાંચો: દેશવાસીઓ રોજ પીવે છે કે 51 કરોડ લિટર નકલી દૂધ !

આ પણ વાંચો: દેશવાસીઓ રોજ પીવે છે કે 51 કરોડ લિટર નકલી દૂધ !

આ પણ વાંચો: દૂધમાં ઝેર! સાબરકાંઠામાં નકલી દૂધ કૌભાંડનો ભાંડો ફૂટ્યો