સુરતમાં ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવનારા ટ્રાફિક પોલીસકર્મી અને ટીઆરબી જવાનોને મોબાઈલ પોતાની પાસે રાખવાની અનુમતિ નથી.ટ્રાફિક પર વધારે ધ્યાન આપે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવનારા ટ્રાફિક પોલીસકર્મી અને ટીઆરબી જવાનોને મોબાઈલ પોતાની પાસે રાખવાની અનુમતિ નથી. આ આદેશ સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ટ્રાફિકના જવાનો પોતાની ડ્યૂટી પર વધારે ધ્યાન આપે આ માટે પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય કરાયો છે. ટ્રાફિક નિયમન કરાવવાની જગ્યાએ અનેકવાર ટ્રાફિક પોલીસ કર્મી અથવા તો ટીઆરબી જવાન પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહેતા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી અને ફરજ પર ધ્યાન પણ આપતા ન હતા.
ટ્રાફિકના એસીપી અશોક ચૌહાણે જણાવ્યું હતું કે, સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ક્રાઈમ કોન્ફરન્સમાં આ સુચના આપવામાં આવી છે. તમામ પોઇન્ટ ઇન્ચાર્જે પોતાના પોઈન્ટ ઉપરના તમામ પોલીસકર્મીઓ તથા ટીઆરપી ના મોબાઈલ પોતાની પાસે રાખવાના રહેશે. મોબાઈલ ફરજની શરૂઆતમાં જમા કરી દેવાના છે. ફરજનો સમય પૂર્ણ થતાં મોબાઈલ પરત આપવામાં આવશે. જો કોઈની પાસે મોબાઇલ રહી ગયા હશે અને જમા કરાવ્યા નહીં હોય તો તેનો મોબાઇલ સીપી કચેરીમાં રાખવામાં આવશે.
