ગુજરાત સરકારે 1 જુલાઈથી ધોરણ 12 ની પરીક્ષાની જાહેરાત કરી છે. ગઈકાલે બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરાયુ છે. પરંતુ આ વચ્ચે કેન્દ્ર સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ કરી છે. મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં પરીક્ષા યોજાશે કે નહિ તે મામલે ચર્ચા શરૂ થઈ છે. રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં ધોરણ 12ની પરીક્ષા લેવી કે નહીં અને કોરોના ત્રીજા લહેરની તૈયારીઓ પર ચર્ચા કરી છે.
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડમાં આ મામલે ગંભીર ચર્ચાઓ બાદ નિર્ણય કર્યો છે કે હવે પરિક્ષા લેવામાં આવશે નહીં.આજે સવારે ધોરણ 12ની પરીક્ષા સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગુજરાતે પોતે પરીક્ષા લેવા માટે તૈયાર છે તેમ જણાવ્યું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એક્ઝામિનેશન (સીબીએસઈ)ની ધોરણ 12 ની પરીક્ષા અહીં લેવાય તેવી જાહેરાત કરતા હવે ગુજરાત સરકાર પણ આ મામલે યુ ટર્ન લેવો પડ્યો છે.
પરિક્ષા પર શું છે અન્ય રાજ્યોની સ્થિતિ
ઉત્તર પ્રદેશઃ યુપી બોર્ડની પરીક્ષાને લઈ રાજ્ય સરકાર બુધવાર કે ગુરૂવારે નિર્ણય લઈ શકે છે. કેન્દ્રના નિર્ણયનું રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, શિક્ષણ મંત્રી દિનેશ શર્માએ સ્વાગત કર્યું હતું. સાથે જ રાજ્ય બોર્ડ માટે પણ આવો નિર્ણય લઈ શકાય તેવો સંકેત આપ્યો હતો.
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર સૌથી વધારે છે જેથી બાળકોને લઈ ચિંતા વધુ છે. રાજ્ય સરકારે મંગળવારે કેન્દ્રના નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને બાળકોનું સ્વાસ્થ્ય સર્વોપરિ છે તેમ કહ્યું હતું. સ્ટેટ બોર્ડ એક્ઝામ અંગે જલ્દી જ નિર્ણય લેવામાં આવશે. સરકારની આ પ્રકારની ટિપ્પણીઓના કારણે પરીક્ષાઓ રદ્દ થઈ શકે છે તેવા સંકેત મળી રહ્યા છે.
પશ્ચિમ બંગાળઃ ચૂંટણી બાદ બંગાળમાં ખૂબ જ ઝડપથી કોરોના ફેલાયો હતો. આ કારણે બાળકો-વાલીઓને પરીક્ષાની ખૂબ ચિંતા હતી. બુધવારે રાજ્ય સરકાર સ્ટેટ બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી શકે છે. પરંતુ હજુ પેચ ફસાયેલો છે કારણ કે શિક્ષણ વિભાગની પ્રેસ કોન્ફરન્સ રદ્દ થઈ ગઈ છે.
હરિયાણાઃ કેન્દ્ર સરકારની માફક રાજ્ય સરકારે પણ પોતાની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. ટૂંક સમયમાં જ બાળકોને પાસ કેવી રીતે કરવા તેના ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવશે. રાજ્યમાં પહેલેથી જ 10મા ધોરણની પરીક્ષા રદ્દ થઈ ચુકી છે.
રાજસ્થાનઃ રાજસ્થાનમાં બુધવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાનીમાં કેબિનેટની બેઠક યોજાશે જેમાં કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. કોંગ્રેસશાસિત રાજ્યોમાં પણ પરીક્ષા રદ્દ કરવામાં આવી શકે છે તેવી આશા છે કારણ કે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સતત આ માટે માંગણી કરી રહ્યા હતા.
નોંધનીય છે કે, CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીની હાઈલેવલ બેઠકમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. COVID ને કારણે થતી અનિશ્ચિત સ્થિતિ અને વિવિધ હોદ્દેદારો દ્વારા મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, નિર્ણય કરવામાં આવ્યો કે આ વર્ષે બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં.
વડા પ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે ધોરણ 12 સીબીએસઈ પરીક્ષાઓ અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે COVID-19 એ શૈક્ષણિક કેલેન્ડરને અસર કરી છે અને બોર્ડની પરીક્ષાનો મુદ્દો વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ચિંતા પેદા કરી રહ્યો છે.
ધોરણ 10 રીપીટર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરીક્ષા કાર્યક્રમ ગઇકાલે જાહેર કરીને તારીખ 1 જુલાઈથી આ પરીક્ષા શરૂ થશે તેની બોર્ડે સત્તાવાર જાહેરાત કરી છે. હવે આ પરીક્ષા લેવાશે કે નહીં તેનો નિર્ણય આજે કેબિનેટમાં કરવામાં આવ્યો છે બોર્ડની આ પરીક્ષામાં ગુજરાતમાં કુલ 10 લાખ 45 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 10માં 3.80 લાખ વિદ્યાર્થીઓ રીપીટર તરીકે નોંધાયા.

