ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમતા પહેલા ન્યુઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં રમી રહી છે. લોર્ડ્સના મેદાન પર બુધવારે પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થઈ હતી. મેચના પહેલા દિવસે ડેવોન કોનવે ન્યૂઝીલેન્ડ માટે તેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેણે સદી ફટકારી હતી અને ડેબ્યૂમાં સદી ફટકારનાર 12 મો ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન બન્યો હતો.
લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં સતત ચર્ચામાં રહેનારા કોનવેને ડેબ્યુ કરવાની તક મળી. તેણે અનુભવી ટોમ લાથમ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી અને અડધી સદીની ભાગીદારી રમી હતી લાથમ 57 દડામાં 2 ચોગ્ગાની મદદથી 23 રન બનાવી આઉટ થયો હતો.પ્રથમ ટેસ્ટ મેચ રમતા કોનવેએ 91 બોલમાં 6 ચોગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરી હતી. આ પછી, તેની ઇનિંગ્સ આગળ ધપાવીને તેણે 163 બોલમાં 11 ચોગ્ગાની મદદથી સદી પૂરી કરી. કોનવે ડેબ્યૂ મેચની પહેલી ઇનિંગ્સમાં સદી ફટકારનાર 12 મો ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન બની ગયો છે. આ મેદાન પર ડેબ્યૂ મેચમાં સદી ફટકારનાર વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો. કોનવે તેની ટેસ્ટ કારકિર્દીના પહેલા જ દિવસે લોર્ડ્સમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
વર્ષ 1996 માં, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ લોર્ડ્સના આ મેદાન પર ઇંગ્લેન્ડ સામે ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યારથી બીજા કોઈ બેટ્સમેને આવું કર્યું નથી. કોનવે 25 વર્ષ બાદ ડેબ્યૂ મેચ રમીને લોર્ડ્સમાં આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.
