ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોનાએ માથું ઊંચક્યું હોય રાજ્ય સરકાર જનતાની સુખાકારી માટે કોરોના સંક્રમણને કાબૂમાં લેવા તેમજ રસીકરણ વધારવા સહિતના પગલાઓ લેવામાં વ્યસ્ત રહી હતી. જેના કારણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો નિયમિત રીતે મળતી બેઠક યોજવાની મુલતવી રાખવામાં આવી હતી.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની નિયમિત રીતે મળતી બેઠક કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી યોજી શકાઇ નથી. આ બેઠક હવે તા. 15 જૂન 2021 ના રોજ યોજવામાં આવશે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓનું પ્રેઝન્ટેશન પણ તા. 15 જૂને યોજાનારી આ બેઠકમાં કરવામાં આવશે.નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત નાયબ મુખ્યમંત્રી-મંત્રીમંડળના સભ્ય, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ભાજપના તમામ ધારાસભ્યઓ, પ્રદેશ મહામંત્રીઓ તેમજ પાર્લામેન્ટ્રી બોર્ડના હોદ્દેદારો ભાગ લેશે.
નીતિન પટેલે ઉમેર્યું કે, આ બેઠકમાં કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રજા આરોગ્યલક્ષી કામગીરી તેમજ તાઉ’તે વાવાઝોડા દરમિયાનની રાજ્ય સરકારની શ્રેષ્ઠ કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. એટલુ જ નહીં, આવનારા સમયમાં ગુજરાતમાં વ્યાપક ફલક ઉપર ખૂબ ઝડપથી વેક્સિનેશનની કામગીરી કરવા અંગેની વિસ્તૃત કાર્ય યોજનાની પણ આ બેઠકમાં ચર્ચા- વિચારણા કરાશે એમ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

