મોહસીન દાલ, ગોધરા@મંતવ્ય ન્યૂઝ
પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે તાજેતરમાં જ ફરજ બજાવતા અમિત અરોરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે, ત્યારે પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા કોરોનાકાળ દરમ્યાન સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લા પંચાયત સંલગ્ન BRGF ભવન હોલ ખાતે અમિત અરોરાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા પોતાના કાર્યકાળ દરમ્યાનના સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા, પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ વિદાય સમારંભમાં વિવિધ અઘિકારીઓ દ્વારા અમિત અરોરાને કમિશનર પદ તરીકેની મહત્વની જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જિલ્લા કલેકટર તરીકે રહેલા અમિત અરોરાએ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં કલેકટરપદ મારા માટે મહત્વનું બની રહ્યું છે, કોરોના કાળમાં પણ કેટલાક અનુભવ મેળવ્યા છે, જે આગામી સમયમાં કામ આવશે.

બીજી તરફ જિલ્લા કલેકટર અમિત અરોરા ભાવુક બન્યા હતા. BRGF ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ, અધિક નિવાસી કલેકટર એલ.બી. બાંભણીયા, પ્રયોજના વહીવટદાર એસ.કે.રાઠોડ સહિતના જિલ્લાના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

