Amreli News: સૌરાષ્ટ્રની ઓળખ અને દેશના ગૌરવ ગણાતા એશિયાટિક સિંહો (Gir Lions)ને લઈને ગીર અને આસપાસના રેવન્યુ વિસ્તારોમાં હાલ મોટો વિવાદ ઉભો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સિંહોના હુમલામાં માનવ મૃત્યુની ઘટનાઓ સામે આવતા રાજ્ય સરકાર અને વન વિભાગ એક્શન મોડમાં આવ્યા છે. ત્યારબાદ રેવન્યુ વિસ્તારોમાંથી સિંહોને પકડી લેવાની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે.
Gir Lions: સિંહ સંરક્ષણ કે અતિશય કાર્યવાહી?
વનમંત્રીની મુલાકાત બાદ ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં વિશેષ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વન વિભાગના આ અભિયાન દરમિયાન છેલ્લા 18 દિવસમાં 30થી વધુ સિંહો (Gir Lions)ને પકડીને વિવિધ એનિમલ કેર સેન્ટરોમાં ખસેડવામાં આવ્યા છે.
માહિતી મુજબ, કુંકાવાવ રેન્જમાં બાળક પર હુમલા બાદ ચાર સિંહ, રાજુલા રેન્જમાં યુવકના મૃત્યુ બાદ ચાર સિંહ અને અન્ય બે સિંહ, ચતુરી ગામમાં બાળકના મૃત્યુ બાદ 12 સિંહ, જસાધાર રેન્જમાંથી છ, મહુવા રેન્જમાંથી ત્રણ અને સાવરકુંડલા વિસ્તારમાંથી એક સિંહ (Gir Lions)ને કેદ કરવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલુ હોવાનું જાણવા મળે છે.
પકડાયેલા તમામ સિંહોને હાલ આંબરડી, જસાધાર અને બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જોકે, તેમને આગળ ક્યાં રાખવામાં આવશે, જંગલમાં છોડવામાં આવશે કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવશે તે અંગે વન વિભાગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી નથી. આ મુદ્દે વન વિભાગના વર્તુળોમાં પણ અસમંજસતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વન્યજીવ નિષ્ણાતો અને સિંહપ્રેમી (lion lover)ઓએ આ કાર્યવાહી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે માત્ર હુમલાખોર સિંહોને ઓળખીને કાર્યવાહી થવી જોઈએ, જ્યારે નિર્દોષ સિંહોને પકડીને કેદ કરવાથી સિંહોના કુદરતી વર્તન અને ટેરિટરી પર અસર પડી શકે છે. જો આવા સિંહોને અન્ય વિસ્તારમાં છોડવામાં આવશે તો પ્રાદેશિક સંઘર્ષ વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સિંહપ્રેમીઓએ રાજ્ય સરકારને સમગ્ર કાર્યવાહી અંગે પારદર્શકતા રાખવાની, સિંહો (Gir Lions)ના ભવિષ્ય અંગે સ્પષ્ટ માહિતી જાહેર કરવાની અને વૈજ્ઞાનિક અભિગમ સાથે નિર્ણય લેવા અપીલ કરી છે. બીજી તરફ, માનવ મૃત્યુની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી પણ એટલી જ જરૂરી હોવાનું માનવામાં આવે છે.
હાલ સમગ્ર મુદ્દે વન વિભાગ તરફથી આગામી કાર્યવાહી અને સત્તાવાર માર્ગદર્શિકા જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો:રાજુલા સિંહ હુમલા કેસમાં મોટો નિર્ણય: માનવભક્ષણની પુષ્ટિ બાદ 4 સિંહોને આજીવન સક્કરબાગ ઝૂમાં રાખાશે
આ પણ વાંચો:દલખાણીયા રેન્જમાં સિંહનો મૃતદેહ મળતા ચકચાર, વન વિભાગના મોડા પ્રતિસાદથી ચર્ચા તેજ
આ પણ વાંચો:અમરેલીમાં સિંહણનો જીવલેણ હુમલો: દાદાની નજર સામે 5 વર્ષના બાળકને ઉઠાવી ગઈ, 1 કિમી દૂર મળ્યા અવશેષો
