ભારતીય ક્રિકેટનાં સૌથી સફળ કેપ્ટનનું નામ આવે એટલે સૌ કોઇનાં મોંઢે મહેન્દ્રસિંહ ધોનીનું જ નામ આવે છે. કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા મહેન્દ્રસિંહ ધોનીનો આજે 40 મો જન્મદિવસ છે. જણાવી દઇએ કે, મહેન્દ્રસિંહ ધોનીનો જન્મ 7 જુલાઈ, 1981 નાં રોજ રાંચીમાં થયો હતો. ખડગપુરનાં રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ટિકિટ તપાસનારા મહેન્દ્રસિંહ ધોની એક દિવસ ભારતીય ક્રિકેટમાં સફળતાની નવી વાર્તા લખશે, ભાગ્યે જ કોઈએ તેનો અંદાજ કર્યો હશે.
ઘણી મુશ્કેલીઓ અને પડકારો પછી બન્યા ટીમ ઈન્ડિયાનાં સફળ કેપ્ટન

આપને જણાવી દઇએ કે, ઘણી મુશ્કેલીઓ અને પડકારો પછી, માહી ટીમ ઇન્ડિયાનો મહાન કેપ્ટન બન્યો હતો. વળી, બાળપણથી જ માહીની પાસે જીતનો જજબો અને ધૈર્ય હતુ. જે તેને તેના ક્રિકટિંગ સમયમાં ઘણુ કામ આવ્યુ હતુ. જણાવી દઇએ કે, ધોનીનો પરિવાર ઉત્તરાખંડનો છે, જ્યારે તેના પિતા પાનસિંહને 1964 માં મીકોનમાં જૂનિયર પદ પર નોકરી મળી હતી, ત્યારબાદ તે રાંચી આવ્યા હતા.
સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ કારકીર્દિની શરૂઆત

જણાવી દઇએ કે, માહીએ સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ પોતાની આંતરરાષ્ટ્રીય કારકીર્દિની શરૂઆત કરી હતી. પરંતુ આ વનડે મેચમાં માહી 0 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી પાકિસ્તાન સાથેની મેચ પછી લોકો તેને એક પરફેક્ટ બેટ્સમેન તરીકે માનવા લાગ્યા હતા. લાંબી લાંબી સિક્સર ફટકારવામાં ધોનીનું નામ સૌથી મોખરે આવ્યું હતુ. વળી, વર્ષ 2005 માં જયપુરમાં શ્રીલંકા સામે રમાયેલી મેચમાં ભારત 299 રનનો પીછો કરી રહ્યું હતું. આ મેચમાં ધોનીને 3 નંબર પર તક મળી હતી અને તેણે 50 ઓવર વિકેટકીંપિંગ કર્યા બાદ તેણે મેચનાં અંત સુધી બેટિંગ કરી અને 183 રન બનાવ્યા હતા. ત્યારબાદ સિલેક્ટર પણ સમજી ગયા હતા કે ભારતને એક આક્રમક બેટ્સમેન મળી ગયો છે.
પ્રથમ ટી-20 વર્લ્ડ કપ માટે કેપ્ટન બન્યા, નાખુશ હતા સિનિયર ખેલાડી

2007 માં વેસ્ટ ઇન્ડીઝમાં લિમિટેડ ઓવર વર્લ્ડ કપ યોજાયો હતો. આ વિશ્વ ભારતીય ટીમ માટે એક અંધકાર પ્રકરણની જેમ સાબિત થયું હતુ. સ્ટાર ખેલાડીઓથી ભરેલી ટીમ લીગ તબક્કે જ બાંગ્લાદેશ જેવી ટીમ સામે હાર્યા બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ વર્ષે પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપનું આયોજન દક્ષિણ આફ્રિકામાં થવાનું હતું. ક્રિકેટનું આ ફોર્મેટ નવું હતું. આવી સ્થિતિમાં, બીસીસીઆઈએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે એક યુવા અને નવી ટીમને મોકલી હતી અને સિનિયર ટીમને આરામ આપવામાં આવ્યો હતો. ટી-20 વર્લ્ડ કપ માટે ધોનીની ટીમનાં કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમ છતાં એવું કહેવામાં આવે છે કે, ટીમ મેનેજમેન્ટનાં આ નિર્ણય પછી ઘણા મોટા ખેલાડીઓ નાખુશ થયા હતા, પરંતુ તેઓ ક્યારેય ખુલ્લેઆમ બધાની સામે પોતાનો મુદ્દો મૂકી શક્યા નહીં. દરમ્યાન, ટી-20 વર્લ્ડ કપમાં, ધોનીની આગેવાની હેઠળની ટીમે એક પછી એક મેચ જીતવાની શરૂઆત કરી અને ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું. અહીં મેચ પાકિસ્તાન સાથે હતી. ભારતે લો સ્કોરિંગ ફાઈનલમાં રોમાંચક વિજય નોંધાવ્યો અને ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. અહીથી માહીનાં સફળ થવાની શરૂઆત થઇ.
ધોનીનાં કેપ્ટનશીપ હેઠળ ICC નાં ત્રણેય ટાઇટલમાં જીત

આ સાથે જ ટી-20 વર્લ્ડ કપમાં પણ મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટનશીપ કુશળતામાં ઇતિહાસ રચ્યો હતો. આપને જણાવી દઈએ કે, પ્રથમ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં માહીની કેપ્ટનશીપ હેઠળ ભારત પહોંચવામાં સફળ રહ્યુ અને તેની કેપ્ટનશીપ હેઠળ ટાઇટલ પણ જીત્યું હતું. તેટલુ જ નહી વર્ષ 2011 માં વન-ડે વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને ફાઇનલમાં હરાવીને બીજી વખત ટાઇટલ પોતાના નામે કર્યુ હતું. તેટલું જ નહી ધોનીની કેપ્ટનશીપ હેઠળ 2013 માં ભારતીય ટીમે વર્લ્ડ ચેમ્પિયનશીપનું ટાઇટલ જીત્યુ હતુ. વળી ક્રિકેટર કપિલ દેવ પછી ધોની બીજો ભારતીય કેપ્ટન છે, જેણે વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. વળી, ધોનીએ 15 ઓગસ્ટે નિવૃત્તિની ઘોષણા કરી, ત્યારબાદ તેણે સેનામાં જવાબદારી નિભાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ભારતીય સેનાએ વર્ષ 2011 માં ધોનીને લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ આપ્યુ હતુ.
પ્રથમ IPL માં માહી બન્યો CSK નો કેપ્ટન

ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટી-20 વર્લ્ડ કપ જીત્યાનાં માત્ર એક વર્ષ પછી ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત ભારતમાં થઈ હતી. આ લીગમાં ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ખરીદ્યો હતો અને એવું કહેવામાં આવે છે કે ધોની પ્રથમ સિઝનનો સૌથી મોંઘા ખેલાડીઓમાં એક હતો. માહીને CSK નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને ટીમ 2010 માં લીગની ત્રીજી સીઝનમાં ચેમ્પિયન બની હતી. CSK ને ચેમ્પિયન બનાવવામાં ધોનીની મહત્વની ભૂમિકા હતી. તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ લીગની ફ્રેન્ચાઇઝીને સૌથી મજબૂત ટીમ બનાવી. આ જ કારણ છે કે વર્ષ 2011 માં, આ ટીમે સતત બીજી વખત આ ખિતાબ જીતત્યો હતો. આ દરમ્યાન, ટીમ ઘણી વખત ફાઈનલમાં પહોંચી હતી પણ જીતી શકી ન હોતી, પરંતુ આ ચેમ્પિયન ટીમ અને ધોનીને આઘાત ત્યારે લાગ્યો જ્યારે સ્પોટ ફિક્સિંગ કેસમાં વર્ષ 2016 માં આ ટીમ પર સિઝન માટેનો પ્રતિબંધ મૂકાયો હતો. લીગની આ ચેમ્પિયન ટીમ પર આવો આરોપ ભારતીય ક્રિકેટ માટે ભૂકંપથી ઓછો નહોતો. આની સાથે જ ધોની પર પણ આંગળીઓ ઉભી થવા લાગી હતી પરંતુ તેમની સામે કોઈ પ્રકારનો આક્ષેપ સાબિત થયો ન હતો. જો કે, આ વિવાદથી ધોની દુઃખી થયો હતો.
