@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
આપણે એટલે કે ધર્મને માનનારા સૌ કોઈ અને તેમાંય ખાસ કરીને હિંદુ સમાજ માળાનુ મહત્વ સમજે છે. સૌ- પોતે જેને વધુ માનતા હોય તેની માળા કરતા હોય છે. કોણ કોને માને છે તે મહત્વનું નથી પણ દિલથી માળા કરે છે તે વધુ મહત્વનું છે. આપણે કોઈપણ માળા લઈએ પછી તે કોઈ ધર્મસ્થળેથી ખરીદ કરેલી હોય કે પછી પુજાપાની કોઈ દૂકાનેથી ખરીદી હોય પણ માળા એ માળા જ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જે ગુરુકુળ હોય છે તેમાં રહેતા પ્રત્યેક વિદ્યાર્થીને માળા સાથેની પેટી આપવામાં આવે છે. ટૂંકમાં ભૂતકાળમાં જેમ ગુરુકુળમાં શસ્ત્ર, શાસ્ત્ર અને સંગીત એમ ત્રણેય પ્રકારનાં શિક્ષણ અપાતા હતા તેવી જ રીતે ગુરુકુળમાં માળા ફેરવી જગતનિયંતાને યાદ કરવાની પરંપરા ચાલું છે. માળા એક સનાતન ધર્મનું અંગ બની ગઈ છે તે વાત પણ સમજવી પડશે.

હવે કોઈપણ સ્થળેથી માળા ખરીદો કે મેળવો તેમાં ૧૦૮ મણકા હોય છે. પરંતુ સો માંથી દસ લોકોના મનમાંજ એવો વિચાર આવતો હશે કે માળાના મણકા ૧૦૮ કેમ હોય છે? જપ માળામાં ૧૦૮ની સંખ્યા હોય છે. ધર્મની દ્રષ્ટીએ ૧૦૮ એટલે ૮+૧=૯ને શૂભ જ માનવામાં આવે છે પવિત્ર માનવામાં આવે છે. જો કે આના માટે ઘણા ગણિત છે-ઘણા વિજ્ઞાન છે અને ઘણા ધર્માચાર્યોનો મત પણ છે.

એક જાણકાર આ અંગે કહે છે કે, એક વર્ષમાં એટલે કે દેશી મહિના પ્રમાણે ૩૬૦ અને અંગ્રેજી મહિના પ્રમાણે ૩૬૫ દિવસમાં સૂર્ય ૨૧૬૦૦ રંગ દેખાડે છે અને વર્ષમાં બે વખત પોતાની સ્થિતિ પણ બદલે છે. આના કારણે છ માસ ઉતરાયણ અને ૬ માસ દક્ષિણાયન કહેવાય છે. હવે છ માસ દરમિયાન ૧૦૮૦૦ વખત સૂર્ય પોતાની રીતે ચમકે છે. અથવા તો ધર્મપુરુષો કહે છે. તે પ્રમાણે ૧૦૮૦૦ વાર કળા બદલે છે. હવે જાણકારો કહે છે તે પ્રમાણે આ ૧૦૮૦૦ના છેલ્લા બે શૂન્ય હટાવીને ૧૦૮નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આના કારણે જ જાણકારો એવું કહેતા હોય છે કે ૧૦૮ મણકાની બનેલી માળા સૂર્યની એક એક કળાનું પ્રતિક છે.

હવે સૂર્યદેવ એકજ એવા દેવતા છે કે જેના આપણે રોજ અને કહીએ તો ચોમાસાના અમૂક સમયને બાદ કરતાં તેના પ્રત્યક્ષ દર્શન કરી શકીએ છીએ. સવારે સૂર્યોદય વખતે સૂર્ય દેવતાને અર્ધ્ય આપવાની પરંપરા ઘણા લોકોમાં જોવા મળે છે આને સુખ સંપત્તિ અને સ્વાસ્થ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે. સવારનો સૂર્ય પ્રકાશ શરીર માટે પણ લાભદાયી છે અને જે ચામડીને તો સ્વસ્થ રાખે જ છે પરંતુ તેની સાથો સાથ રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. ભલે કદાચ બપોરનો તડકો નુકશાન કારક હશે પરંતુ સવારનો તડકો એટલે કે સૂર્ય પ્રકાશ તો લોકો માટે અત્યંત લાભદાયી પૂરવાર થઈ શકે છે. આમ એક કારણ આ પણ છે જ કે જેના કારણે માળાના મણકાની સંખ્યા ૧૦૮ નિર્ધારીત કરી છે. સૂર્ય દેવતાની અનેક સ્તુતીઓ પણ છે જે પૈકી નમો આજ આદિત્યને હાથ જોડી ઘણા લોકો ગાતા હોય છે.

હવે આ બાબતમાં બીજી એક માન્યતા પણ છે. આપણા પ્રાચીન જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેમાં કુલ ૨૭ નક્ષત્ર બતાવાયા છે અને દરેક નક્ષત્રના ચાર ચરણ હોય છે અને આ નક્ષત્ર તે રીતે બદલાતા રહેતા હોય છે. હવે ૨૭ ગૂણ્યા ચાર કરો એટલે ગણિતશાસ્ત્ર પ્રમાણે પણ તેનો જવાબ ૧૦૮ જ આવીને ઉભો રહે છે. એટલા માટે એવું પણ કહેવામાં આવે છે કે માળાનો પ્રત્યેક મણકો નક્ષત્રોના એક એક ચરણનું પ્રતિનિધિત્વ કરે છે.

આમ જોઈએ તો જ્યોતિષ શાસ્ત્ર એ ધર્મ સાથે સંકળાયેલું છે જ અને તેની સાથો સાથ ગણિત પણ છે. આપણામાં એવી માન્યતા પણ છે કે માળામાં ૧૦૮થી ઓછા મણકા હોય તો તે ખંડિત બની જાય છે. કદાચ ભૂલથી પણ એક મણકો તૂટી જાય અગર તો ખરી પડે તો તેમાં આ મણકો શોધીને જોડી દેવો પડે છે અથવા તો પછી નવી માળા મેળવવી પડે છે. ૧૦૮થી ઓછી મણકા વાળી માળા અર્થહીન છે. આવી માળા ક્યારેય ચલાવી શકાતી નથી.

અમૂક સંજોગોમાં જ્યોતિષઓ જે મંત્ર આપે છે તેની બે કે પાંચ માળા કરવાની સલાહ આપતા હોય છે તેમાં તેમણે જે ગણતરી કરી હોય છે તે ૧૦૮ મણકાવાળી માળાઓનીજ કરી હોય છે. એકસોએ પાંચ કે સાત પરિવાર (આપણા ધર્મના) એવા હશે કે જે માળા ન કરતાં હોય કેટલાક પરિવારોમાં તો બાળક સમજણું થાય એટલે તરત માળા ફેરવવાની ટેવ પાડવામાં આવે છે.
જો કે અત્યારે હવે સેલફોનના જ કે સ્માર્ટ ફોનના જમાનામાં માળાનું મહત્વ આજથી દસ-બાર કે પંદર વર્ષ પહેલા હતું તેવું અત્યારે નથી. આ વાત પણ સ્પષ્ટ પણે સમજવી પડે તેમ છે. સેલફોન કે સ્માર્ટ ફોન આજના જમાનામાં અનિવાર્ય છે તે વાત સાચી પણ તેને વળગણ બનાવવાની કે તેના ગુલામ બની જવાની જરુરત નથી. જો કે તાજેતરમાં થોડા સમય પહેલા કેટલાક અખબારોમાં એવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે બ્રીટન સહિતના યુરોપના ઘણા દેશોના લોકો હવે ભારતીય સંસ્કૃતિને માનતા અને માળા ફેરવતા થઈ ગયા છે. બ્રીટન, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ કે સ્વીત્ઝરલેન્ડ સહિતના દેશોમાં વસતા મૂળ ભારતીય નાગરિકો માળા કરે તો સમજી શકાય તેમ છે. પશ્ચિમ ના દેશોમાં ગયા પછી પણ તેમનામાં પૂર્વના સંસ્કાર ગયા નથી. પરંતુ જ્યારે આપણે ગોરાઓને એટલે કે અંગ્રેજોને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ કે પછી યુગપુરુષ સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાનની માળા ફેરવતા જોઈએ કે હનુમાન ચાલીસા, ગણેશાષ્ટક કે નવરાત્રિના દિવસોમાં વિશ્ર્વંભરીની સ્તુતિ કે શક્રાદયના પાઠ કરતાં જોઈએ ત્યારે આપણને ગર્વ થાય તે હકિકત છે. જો કે ભારતમાં જે ઘણું બધું ઓછું થયું છે. તે વિશ્વમાં અપનાવાઈ રહ્યું છે તે પણ હકિકત છે.
હવે મૂળ વાત પર આવીએ ખરા દિલથી કોઈપણ ઈસ્ટદેવ કે તમે જેને માનતા હો તેની એક માળા પણ રોજ કરો તો તમને ચોક્કસ બીજુ બધુ તો ઠીક પણ માનસીક શાંતિના સ્વરુપમાં તેનું ફળ મળે છે. ૨૦૨૦ના ૨૫મી માર્ચથી અઢી માસ સુધી આપણને ઘરમાં રહેવા મળ્યું હતું ત્યારે ઘરકામ કર્યુ હશે કુટુંબ સાથે રહેવાનો આનંદ મેળવ્યો હશે તે સમયગાળામાં ટીવી ચેનલો પર રજૂ થતી ધાર્મિક ચેનલો પણ જોઈ હશે. જો કે માળા કરનારાઓની સંખ્યા પણ તે વખતે હશે તેમાં ના નથી પરંતુ આ સંખ્યા ઓછી હશે માળા એ ધર્મનું પ્રતિક તો છે જ ધર્મનું લક્ષણ પણ છે તો તેની સાથો સાથ તમે તમારા ઈષ્ટદેવના નામની એક-પાંચ કે દસ તમારી શક્તિ પ્રમાણે માળા કરો તો કમસે કમ આ સમયગાળા દરમિયાન તમારા મનમાં સાચા કે ખોટા કોઈ પ્રકારના વિચારો નહિ આવે.
ઘણા મનોચિકિત્સકો પણ કહેતા હોય છે કે પોતાના ઈષ્ટ દેવની નિયમિત માળા કરનારને ક્યારેય ડીપ્રેશન આવતું નથી. શરત માત્ર એટલી જ છે કે, આ જપમાળા સાચા દિલથી કરી હોવી જોઈએ. બીજી ઘણી વાતો તો આપણે જાણીએજ છીએ પરંતુ હવે આ બાબત પણ વહેલી યા મોડી આપણે જાણવીજ પડશે.
