વિખવાદ/ પંજાબ કોંગ્રેસનો આંતરિક વિખવાદનો મુદ્દો 3-4 દિવસમાં ઉકેલાઇ જશે : હરીશ રાવત

મંગળવારે રાહુલ ગાંધી અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની બેઠક હતી. આ બેઠકમાં પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ હાજર હતા. પરંતુ તેમનું કહેવું છે કે બેઠકમાં પંજાબની ચૂંટણી અંગે કોઈ ચર્ચા થઈ નથી.

India

પંજાબ કોંગ્રેસમાં આંતરિક ઝઘડો સમાપ્ત થાય તેમ લાગતું નથી. મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેના વિખવાદનો મુદ્દો પાર્ટીના નેતૃત્વ સુધી પહોંચ્યો છે. પક્ષે આ મુદ્દાનું નિરાકરણ લાવવા એક સમિતિની રચના કરી હતી. સમિતિએ પોતાનો અહેવાલ પણ પાર્ટીને સુપરત કર્યો છે. નવજોત સિંહ સિદ્ધુ અને અમરિંદર સિંહે પાર્ટીના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી. પરંતુ તેનો કોઇ ઉકેલ આવ્યું ન હતું . મંગળવારે રાહુલ ગાંધી અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની બેઠક હતી. આ બેઠકમાં પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ હાજર હતા. પરંતુ તેમનું કહેવું છે કે બેઠકમાં પંજાબની ચૂંટણી અંગે કોઈ ચર્ચા થઈ નથી.

બેઠક બાદ રાહુલ ગાંધીના ઘરેથી બહાર આવતા હરીશ રાવતે કે કહ્યું, ‘રાહુલ જી રાષ્ટ્રીય નેતા છે, ઘણા લોકો તેમને મળે છે, જો પ્રશાંત કિશોર અહીં આવે છે, તો તેનો અર્થ એ નથી કે તે પંજાબ વિશે વાત કરવા આવ્યા છે.તેમણે કહ્યું કે, ‘પંજાબનો મુદ્દો આગામી ત્રણથી ચાર દિવસમાં ઉકેલી લેવામાં આવશે’.

છેલ્લા કેટલાક મહિનાઓથી પંજાબ કોંગ્રેસમાં ખુલ્લેઆમ મતભેદ છે. પૂર્વ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ અને કેટલાક અન્ય નેતાઓએ મુખ્યમંત્રી અમરિંદર સિંહ સામે મોરચો ખોલ્યો છે. પક્ષમાં થયેલી તકરારના સમાધાન માટે કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડ્ગની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિએ મુખ્ય પ્રધાન સહિત પંજાબ કોંગ્રેસના 100 થી વધુ નેતાઓનો અભિપ્રાય લીધો અને ત્યારબાદ તેનો અહેવાલ હાઇકમાન્ડને સુપરત કર્યો.