રવિવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, જનજીવન ખોરવાઈ ગયું હતું અને વલસાડ, વાપી અને નવસારીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. હવામાન વિભાગ (આઇએમડી) એ મંગળવાર સવાર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આઇએમડીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને આજુબાજુના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી ૨.૧ કિ.મી. ઉપર એક સાયકલોનિક સર્ક્યુલેશન ક્ષેત્ર રચાય છે. જેને લઇ હવામાન વિભાગ દ્વારા માછીમારોને 21 જુલાઈ સુધી સમુદ્રમાં નહિ જવા સલાહ આપી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તે જ સમયે, રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે ટ્રાફિકને અસર થઈ હતી.
આ ઉપરાંત નવસારી જિલ્લાના ચીખલી,ગણદેવી અને ખેરગામ તાલુકા અને સુરતમાં કામરેજ અને બારડોલીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. સ્ટેટ ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર (એસઈઓસી) ના અનુસાર વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સવારે 6 વાગ્યાથી છ કલાકમાં 226 મીમી વરસાદ થયો હતો જ્યારે ઉમરગામમાં તે જ સમયગાળામાં 232 મીમી વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટરના અધિકારીઓએ જણાવ્યું હતું કે વલસાડ તાલુકામાં 143 મીમી અને જલાલપોરમાં 146 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારી તાલુકામાં 120 મીમી, નવસારીમાં ગાંડેવીમાં 119 અને સુરતના કામરેજમાં 118 મીમી વરસાદ નોંધાયો હતો. વલસાડ અને વાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક માર્કેટ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ છે.
વલસાડના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એન.એ.રાજપૂતના જણાવ્યા અનુસાર ઉમરગામ, વલસાડ અને વાપી તાલુકામાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. તેમણે કહ્યું, ‘અમારી ટીમ નીચાણવાળા વિસ્તારોમાં તૈનાત છે. જો કે હાલમાં વરસાદ અટકી ગયો છે અને ઘણા વિસ્તારોમાંથી પાણી ઓસરવાનું શરૂ થયું છે. તેમજ અગત્યના સ્થળોએ ફાયર વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 36 ટકા ઓછા વરસાદ
આઇએમડીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં 36 ટકા ઓછો વરસાદ થયો છે. આ સાથે, આઇએમડી દ્વારા જારી કરવામાં આવેલા એક અલગ પ્રકાશનમાં, માછીમારોને 21 જુલાઇ સુધી સમુદ્રમાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમય દરમિયાન પવન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
