ગાયક કલાકાર તરીકે કરોડોના દિલ જીત્યા બાદ રાજકારણમાં પ્રવેશ કરનાર બાબુલ સુપ્રિયોએ સાત વર્ષની રાજકીય કારર્કિદીને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આસનસોલના ભાજપના સાંસદ અને પૂર્વ મંત્રી બાબુલ સુપ્રિયોએ ખુલાસો કર્યો છે કે તેઓ કેમ અને કેવી રીતે ભગવા પાર્ટીમાં જોડાયા.તેમણે કહ્યું કે તેઓ યોગ ગુરુ બાબા રામદેવના કહેવા પર ભાજપમાં જોડાયા હતા અને તે સમયે પાર્ટીને બંગાળમાં એક પણ બેઠકની અપેક્ષા નહોતી.
ફેસબુક પોસ્ટ દ્વારા રાજકારણને ‘ગુડબાય’ કહેતી વખતે, તેમણે એક તરફ મોહભંગના કારણોનો ઉલ્લેખ કર્યો અને રાજકારણમાં તેમના પ્રવેશને યાદ કરવાનું પણ ભૂલ્યા નહીં. તેમણે કહ્યું કે કેવી રીતે તેઓ વિમાનમાં યોગ ગુરુ બાબા રામદેવને મળ્યા અને બાદમાં રાજકારણમાં આવ્યા. તે સમયે એ જાણીને ખરાબ લાગ્યું કે ભાજપને બંગાળમાં એક પણ બેઠકની અપેક્ષા નહતી.
બાબુલ સુપ્રિયોએ લખ્યું સ્વામી રામદેવ સાથે સંક્ષિપ્ત વાતચીત થઈ, મને સારૂ લાગ્યું ન હતું ભાજપ બંગાળને આટલી ગંભીરતાથી લઈ રહ્યું છે, પણ તેને એક પણ બેઠક મળવાની અપેક્ષા નહોતી. મેં વિચાર્યું કે તે બંગાળ કેવી રીતે બની શકે કે જ્યાં શ્યામા પ્રસાદ મુખર્જી, અટલ બિહારી વાજપેયી માટે આટલું માન ધરાવે છે, ભાજપને એક પણ સીટ આપવાનો ઇનકાર કરે છે. ખાસ કરીને જ્યારે સમગ્ર ભારતે ચૂંટણી પહેલા નક્કી કર્યું હતું કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે, તો બંગાળ કેમ અલગ વિચારશે. પછી મેં એક બંગાળી તરીકે પડકાર સ્વીકાર્યો. દરેકની વાત સાંભળી, પણ કર્યુ મારા મનનું કાલની ચિંતા કર્યા વગર.
રાજકારણને અલવિદા કહીને બાબુલે કહ્યું કે ભાજપમાં તેમની ગેરહાજરીથી કોઈ ફરક પડશે નહીં. 2014 માં ભાજપે બંગાળમાં બે બેઠકો જીતી હતી. જ્યારે બાબુલ સુપ્રિયો આસનસોલથી જીત્યા હતા, એસએસ આહલુવાલિયા દાર્જિલિંગથી જીતવામાં સફળ રહ્યા હતા. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે તેમણે આ નિર્ણય અચાનક નથી લીધો અને અમિત શાહ અને જેપી નડ્ડાને પહેલેથી જ જાણ કરી દીધી હતી. બાબુલ સુપ્રિયોએ એમ પણ કહ્યું કે તેઓ અન્ય કોઇ પક્ષમાં જોડાશે નહીં.
