ચીની સેના દિવસની પૂર્વસંધ્યાએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીની સૈન્યને આધુનિકીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા કહ્યું છે. તેમણે ચીની સેનાને વર્ષ 2027 સુધીમાં શ્રેષ્ઠ સેના બનવા માટે નિર્ધારિત પ્રયાસ કરવા કહ્યું છે. નોધનીય છે કે ચાઈના આર્મી ડે 1 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે અને વર્ષ 2027 માં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે.
શી જિનપિંગે પીએલએના આધુનિકીકરણ પર સતત ભાર મૂક્યો છે. શી જિનપિંગે ભ્રષ્ટાચાર વિરોધી વિશાળ અભિયાનમાં સત્તા પર આવતાની સાથે જ પીએલએને હચમચાવી દીધા અને 50 થી વધુ ટોચના સેનાપતિઓ ઉપરાંત મધ્ય-સ્તરના અધિકારીઓને સજા કરી હતી , ચીનના રાષ્ટ્રપતિ બનવાની સાથે શી જિનપિંગ શક્તિશાળી કેન્દ્રીય લશ્કરી પંચના વડા પણ છે.
શી જિનપિંગે કહ્યું છે કે આપણા આ લક્ષ્યને સાકાર કરવાની ચીની સેના, પક્ષ અને સમગ્ર દેશની જવાબદારી છે. તેમણે ચીનના આર્થિક અને સામાજિક વિકાસમાં સૈન્યની જરૂરિયાતો અને ચાવીરૂપ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં રાષ્ટ્રીય સંરક્ષણ જરૂરિયાતોનો કડક અમલ કરવાની હાકલ કરી હતી. તેમણે સૈન્ય પરિવારોને રોજગારી, સૈનિકોના બાળકોના શાળા શિક્ષણમાં આવતી સમસ્યાઓ વહેલી તકે ઉકેલવા આગ્રહ કર્યો હતો.
ચીનના સંરક્ષણ બજેટમાં થયેલા વધારાનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે ચીન તેના પર કેટલી ઝડપથી કામ કરી રહ્યું છે. વર્ષ 2021 માં ચીનનું સંરક્ષણ બજેટ US $ 200 બિલિયનથી વધુ હતું. ચીને વર્ષ 2021 માટે તેનું સંરક્ષણ બજેટ 6.8 ટકાથી વધારીને 209 અબજ ડોલર કર્યું છે. આ આંકડો ભારતના સંરક્ષણ બજેટ કરતાં ત્રણ ગણો વધારે છે. જિનપિંગ સતત સેનાને લડાઇ કવાયત અને યુદ્ધ માટે તૈયાર રહેવા માટે કહી રહ્યા છે. તાજેતરમાં તિબેટની મુલાકાતે પણ તેમણે સેનાને વધુ તૈયારી કરવા કહ્યું હતું.
