થોડા દિવસો પહેલા, ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી 100 બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ ‘ધ હન્ડ્રેડ’ ની ફાઇનલમાં, આયર્લેન્ડનાં બેટ્સમેન પોલ સ્ટર્લિંગે ધમાકેદાર અડધી સદીની ઇનિંગ્સ (61) રમીને પોતાની ટીમને જીતાડી હતી. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો વારો આવ્યો છે, અહીં પણ તેના બેટે રનનો વરસાદ કરવાનુ ચાલુ રાખ્યુ છે. ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝની પ્રથમ મેચમાં 24 રન, બીજી ટી-20 માં 37 રન બનાવ્યા બાદ હવે તેણે ત્રીજી ટી-20 માં ધમાકેદાર સદી ફટકારી છે. આ સાથે, પોલ સ્ટર્લિંગે સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

આ પણ વાંચો – Funny Moment / વિરાટની જગ્યાએ રમવા ઉતર્યો ઈંગ્લિશ ફેન, સુરક્ષાકર્મીઓએ પકડીને બહાર ફેંક્યો, Video
ઝિમ્બાબ્વે સામેની ત્રીજી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં, ઝિમ્બાબ્વેએ આયર્લેન્ડને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું અને તે તેમના પર ભારે પડ્યું હતુ, કારણ કે પોલ સ્ટર્લિંગ આ વખતે એક અલગ મૂડમાં મેદાન પર ઉતર્યો હતો. સ્ટર્લિંગે સૌથી પહેલા 47 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી હતી, જે એટલી ઝડપી નહોતી. પરંતુ તે પછી તેનું બેટ એટલું ગરજ્યું કે આગામી 23 બોલમાં તે સદી સુધી પહોંચી ગયો. પોલ સ્ટર્લિંગે તેની ટી 20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી 70 બોલમાં પૂરી કરી હતી. પરંતુ આ પછી પણ, તે અટક્યો નહીં અને ઇનિંગનાં પહેલા બોલથી છેલ્લા બોલ સુધી પિચ પર ધમાલ મચાવતો રહ્યો. તેણે 75 બોલમાં 153.33 ની સ્ટ્રાઇક રેટથી અણનમ 115 રન બનાવ્યા હતા. તેની શાનદાર ઇનિંગમાં 8 છક્કા અને 8 ચોક્કા સામેલ હતા. આ ઇનિંગ સાથે આયર્લેન્ડે 20 ઓવરમાં 2 વિકેટે 178 રન બનાવ્યા હતા અને બાદમાં ઝિમ્બાબ્વેને 138 રનમાં ઘટાડીને મેચ 40 રનથી જીતી લીધી હતી.

આ પણ વાંચો – Funny Moment / મ્યુઝિયમમાં ડાયનોસોર સાથે વાત કરતો જોવા મળ્યો પંત, શાર્દુલે આ રીતે લીધી મજા
પોલ સ્ટર્લિંગે પોતાની અજોડ સદી સાથે ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં પણ ખાસ સ્થાન બનાવ્યું છે. તે આ યાદીમાં ટોપ -10 ખેલાડીઓમાં આવી ગયો છે. હવે સ્ટર્લિંગ સાતમાં સ્થાને આવી ગયો છે. પોલ સ્ટર્લિંગે હવે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 84 મેચ રમીને 2343 રન બનાવ્યા છે. તે પહેલા જ પાકિસ્તાનનાં બાબર આઝમને પાછળ છોડી ગયો હતો. હવે આ સદી બાદ તેણે આ યાદીમાં પાકિસ્તાનનાં ભૂતપૂર્વ બેટ્સમેન શોએબ મલિક અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધા છે.
