ગૃહમંત્રી અમિત શાહે જળવાયુ પરિવર્તનનાં પગલાં માટે કામ કરવા બદલ પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશના પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે જળવાયુ પરિવર્તનની ગંભીરતાને સમજાવી અને તેના સંચાલનને સંસ્થાગત બનાવ્યું. શાહે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના મુડખેડ ખાતે સીઆરપીએફના તાલીમ મેદાનમાં છોડવા રોપ્યા બાદ પોતાના સંબોધનમાં આ વાત કરી હતી. શાહ દ્વારા છોડવા રોપવાની સાથે આ સુરક્ષા એજન્સીએ દેશમાં એક કરોડ છોડવા વાવવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
ગૃહ પ્રધાને કહ્યું,“જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા,ત્યારે તેમણે સૌપ્રથમ જળવાયુ પરિવર્તનની ગંભીરતાને સમજી અને તેના સંસ્થાકીય સંચાલનને સુનિશ્ચિત કર્યું. ઘણા મુખ્યમંત્રીઓ રસ્તા બનાવવા, શિક્ષણ સુવિધાઓ અને પીવાના પાણીની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ મોદીએ આબોહવા પરિવર્તન અને વૃક્ષો વાવવા પર પણ કામ કર્યું.વૈશ્વિક તાપમાનમાં વધારો અને આબોહવા પરિવર્તનને દુશ્મનો ગણાવતા શાહે કહ્યું કે, આપણે પર્યાવરણ અને કુદરતી સંસાધનોનું રક્ષણ કરવું પડશે. શાહે કહ્યું કે સીઆરપીએફે મોદીના જન્મદિવસ પર એક કરોડ છોડવા રોપવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે જે મરાઠવાડા મુક્તિ યુદ્ધ દિવસ પણ છે.
આ પ્રસંગે તેમણે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલ અને મરાઠવાડા મુક્તિ આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. દળની સિદ્ધિઓની પ્રશંસા કરતા ગૃહમંત્રીએ કહ્યું કે 3.25 લાખ કર્મચારીઓનું આ બળ તમામ અપેક્ષાઓ પર ખરું ઉતર્યું છે. સીઆરપીએફ વગર દેશની આંતરિક સુરક્ષા અશક્ય છે. શાહે જણાવ્યું કે CRPF એ દેશના 170 જિલ્લાઓમાં એક કરોડ વૃૃક્ષો રોપ્યા છે. તેમણે કહ્યું કે સરકાર છોડવા રોપી શકે છે પરંતુ સીઆરપીએફને તેનું રક્ષણ કરવાનું છે. હું દરેક સીઆરપીએફ જવાનને વિનંતી કરું છું કે તેઓ પ્લાન્ટ સાથે તેમનું જોડાણ રાખે.
